નાગપુર થી ગોવા વચ્ચે બની રહેલા આ એક્સપ્રેસ વે પર મુસાફરી કરતી વખતે મુસાફરો 3 શક્તિપીઠોની પણ મુલાકાત લઈ શકશે. આજ કારણ છે કે સરકારે તેનું નામ શક્તિપીઠ એક્સપ્રેસ વે રાખ્યું છે. હાલ, નાગપુરથી ગોવા સુધી કોઈ સીધી કનેક્ટિવિટી નથી, પરંતુ વાયા મુંબઈ અને પુણે જેવા ભારે ટ્રાફિકવાળા શહેરો થઈ ગોવા જઈ શકાય છે, પરંતુ આ એક્સપ્રેસવે બન્યા બાદ નાગપુરથી ગોવાનું અંતર કાપવામાં જે 1,110 કિમી થાય છે તે 300 કિમી જેટલું ઘટીને 802 કિમી જેટલું જ થઈ જતાં હાલમાં જે 18-20 કલાકનો સમય લાગે છે તે માત્ર 8 કલાકમાં કવર થઈ જશે અને મુસાફરો તેમજ વાહન ચાલકોના સમય અને ઈંધણની બચત પણ થશે. તે મહારાષ્ટ્રના 12 જિલ્લાઓ અને ગોવાના એક જિલ્લામાંથી પસાર થશે.
નાગપુર-ગોવા એક્સપ્રેસ વે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC) દ્વારા સંચાલિત અને જાળવવામાં આવશે. જમીન સંપાદનનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું હોવાથી આ એક્સપ્રેસ વેનું નિર્માણ ટૂંક સમયમાં શરૂ થશે. આ એક્સપ્રેસ વેની મંજૂરી માર્ચ 2023માં જ મળી ગઈ હતી, પરંતુ જમીન સંપાદનના કારણે થોડો વિલંબ થયો હતો. આ 6 લેન રોડ 2028-29 સુધીમાં તૈયાર થઈ જશે. તેના નિર્માણ પાછળ લગભગ 83,600 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
શક્તિપીઠ એકસપ્રેસ વે નામ આપવા પાછળનું કારણ ?
નાગપુર છોડ્યા પછી, જે પ્રથમ સ્થાન આવે છે તે મહાલક્ષ્મી શક્તિપીઠ સ્કંદ પુરાણ અનુસાર 18 મહાશક્તિપીઠમાં સામેલ છે. આગળ જતાં ઉસ્માનાબાદ નજીક તુલજા ભવાની દેવીની શક્તિપીઠ આવે છે, જ્યાં ભગવતીના ડાબા શરીરનો એક ભાગ પડ્યો હતો. ત્રીજી અને છેલ્લી શક્તિપીઠ પત્રાદેવીની છે, કે આ માર્ગ ઉપર આવશે. ઉપરાંત, બાર જ્યોતિર્લિંગોમાંથી બે ઔંધા નાગનાથ અને પરલી વૈજનાથ જ્યોતિર્લિંગ તેમજ માહુરમાં રેણુકા દેવીને સમર્પિત મંદિરો, વિઠોબા મંદિર અને ઔદુમ્બર અને નરસોબાવાડી જેવા મહારાષ્ટ્રના ધાર્મિક સ્થળો પણ આ હાઈવે સાથે જોડાશે.
નાગપુર-ગોવા એક્સપ્રેસ વે મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાના પવનારથી શરૂ થશે અને ઉત્તર ગોવા જિલ્લાના પત્રાદેવી ખાતે પૂર્ણ થશે. તેના માર્ગમાં નાગપુર, વર્ધા, યવતમાલ,, હિંગોલી, નાંદેડ, પરભણી, લાતુર, બીડ, ઉસ્માનાબાદ, સોલાપુર, સાંગલી, કોલ્હાપુર, સિંધુદુર્ગ અને પત્રાદેવી જેવા શહેરો આવશે. એકવાર કાર્યરત થઈ ગયા પછી, આ એક્સપ્રેસવે મધ્ય ભારતથી ગોવા સુધીનો સીધો માર્ગ બની જશે.
ક્રેડિટ – રિતેશ મારફટીયા