નવસારી: કાલીયાવાડી બ્રિજ નવનિર્માણ કામગીરી ધીમું ગતિમાન
નવસારી શહેરમાં કલેક્ટર કચેરી નજીક આવેલો કાલીયાવાડી બ્રિજ તોડીને નવા બ્રિજનું નર્માણ શરૂ કરવામાં આવ્યું છે. પ્રારંભે આ કામગીરી જોરશોરથી શરૂ કરવામાં આવી હતી, અને ત્રણ મહિનામાં પૂર્ણ કરવા માટેનો સમયગાળો નક્કી થયો હતો. જોકે, દોઢ મહિનો વીતી જવા છતાં, કામ હવે કાચબા ગતિએ પહોંચી ગયું છે.
પ્રારંભમાં અવરોધો અને લોકોનો વિરોધ
બ્રિજ નર્માણની શરૂઆત દરમિયાન અનેક પ્રકારની અડચણો આવી હતી. સ્થાનિક લોકોના વિરોધને કારણે કેટલીક વખત કામ અટકી ગયું હતું. આ અવરોધો દૂર કર્યાં બાદ કામ ફરી શરૂ થયું છે, પરંતુ કામની ગતિ હજુ સંતોષજનક નથી.
કોયલી ખાડી માટે બોક્સ ડ્રેનેજ મંજૂર, પણ સંભવિત વિકલ્પો હજુ અનિશ્ચિત
બ્રિજથી થોડે દૂર આવેલ કોયલી ખાડી માટે બોક્સ ડ્રેનેજ મંજુર થઈ ચૂકી છે, પરંતુ તેના નિર્માણ માટેનો સમયગાળો અનિશ્ચિત છે. જો આ ડ્રેનેજને હેવી ડ્રેન સ્લેબના રૂપમાં નિર્માણ કરવામાં આવે, તો તે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાઓ ઉકેલવા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યાઓનું વધતું ભારણ
કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરી નજીક દિવસના સમયે ટ્રાફિકનું ભારણ ભારે છે. ખાસ કરીને પાર્કિંગની સ્પષ્ટ વ્યવસ્થા ન હોવાને કારણે સમસ્યા વધુ તીવ્ર બની છે. હેવી ડ્રેન સ્લેબ નિર્માણ થવાથી પાર્કિંગ માટે એક સારા વિકલ્પની શક્યતા ઉભી થાય છે.
વિકાસના સંકલ્પ સાથે આગળ
નવસારી મહાનગરપાલિકા શહેરના વિકાસ માટે સતત પ્રયાસરત છે. હવે જોવાનું એ છે કે બોક્સ ડ્રેનેજને હેવી ડ્રેન સ્લેબમાં રૂપાંતરિત કરીને, ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યાઓને ઉકેલવામાં તંત્ર કેટલું સફળ બને છે