દેશમાં ઢાંચાગત વિકાસને વેગ આપવાના મંત્ર સાથે કેન્દ્ર સરકારે દિલ્લીથી મુંબઈ એક્સપ્રેસવે સહિત અનેક મલ્ટીલેન હાઈવે બનાવવાનું મોટું વિઝન ઘડ્યું છે. અનેક કરોડોના ખર્ચે તૈયાર થતા આ હાઈવે ભારતીય અર્થતંત્ર માટે રક્તવાહિનીનું કામ કરે તેમ છે. જોકે, આ ભવ્ય યોજનાનો એક ભાગ હાલમાં નકારાત્મક ચર્ચાનો વિષય બન્યો છે.
નવસારી જિલ્લામાંથી પસાર થતો દિલ્લી-મુંબઈ એક્સપ્રેસવે હજુ લોકો માટે ખુલ્લો થયો પણ નથી, ત્યાં પહેલાં જ ધોવાણ અને માટી બેસી જવાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ઉગત અંબાડા અને સરભણ (સુરત જિલ્લા) નજીકના વિસ્તારોમાં સાઈડ શોલ્ડરિંગ ધોવાઈ જતાં મોટા ગાબડા પડ્યા છે. બંને તરફ લગભગ અડધો કિલોમીટર સાઈડ શોલ્ડર બેસી ગયેલ છે, જ્યાં હાઇવેના કોન્ટ્રાક્ટરોની કામગીરીની ગુણવત્તા પર સવાલ ઊભા થયા છે.
ટકાવારી દાવો, પરંતુ જમીની હકીકત કચડી ગઈ
એક તરફ સરકાર ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વૈશ્વિક સ્તરે લાવવા કરોડો રૂપિયાની રોકાણ કરે છે, બીજી તરફ હજી ઉપયોગમાં લીધા વગર જ રસ્તાના કિનારાના ભાગો ધોવાઈ જાય છે, તો પ્રશ્ન ઉઠે છે કે કામ દરમિયાન કઈ સામગ્રી ઉપયોગમાં લેવાઈ હતી?
હાલમાં અમદાવાદથી નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામ સુધીનો માર્ગ તૈયાર થઈ ચૂક્યો છે અને ટોલ ટેક્સ વસૂલવાનું આયોજન પણ શરૂ થઈ ચૂક્યું છે. પણ આ બાંધકામની ક્ષમતા અને દિરઘકાલિકતા સામે શંકા ઉભી થવી સ્વાભાવિક છે.
પ્લાસ્ટિકથી ઢાંકી રહ્યા છે ખરાબી!
સુરત જિલ્લાના સરભણ ગામ પાસેથી પસાર થતા ભાગે, જ્યાં સાઈડ શોલ્ડરિંગ ધોવાઈ ગયું છે, ત્યાં ખામી છુપાવવા માટે કોન્ટ્રાક્ટરો દ્વારા પ્લાસ્ટિકના ઢાંકણો લગાડવામાં આવ્યા છે. આ રીતે કામ ચલાવવું કે નાગરિકોની સુરક્ષા સાથે રમત રમવી?
NHAI અધિકારી કેમેરા સામે મૌન
મીડિયા અહેવાલ અનુસાર જાણવા મળ્યું કે, આ મુદ્દે NHAI સુરત રીજનના અધિકારી અંકિત ગુપ્તાનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે ફક્ત એટલું જણાવ્યું કે “સાઈડ શોલ્ડરિંગ ભારે વરસાદના કારણે ધોવાઈ ગયું છે.” જોકે, કેમેરા સામે નિવેદન આપવા તેમણે ઇન્કાર કર્યો.
સવાલો અનેક છે… જવાબદારી કોણ લેશે?
દિલ્લીથી મુંબઈ વચ્ચેની કેટલીક સૌથી મહત્વપૂર્ણ ટ્રાફિક લાઈન પર બનેલો આ એક્સપ્રેસવે હજી ખુલ્યો નથી અને પહેલાનાં વરસાદે કામની હકીકત ખુલ્લી પાડી છે. સરકાર અને NHAI માટે આ સિંગ્નલ છે કે હવે કડક મોનિટરિંગ અને ગુણવત્તા નિયંત્રણના માપદંડો ખરા અર્થમાં અમલમાં મૂકવાનો સમય આવી ગયો છે.