બીલીમોરા સ્ટેશન રોડ પર આવેલ લાલ વાવટાની ગલીના એકતા યુવક મંડળ દ્વારા આ વખતે ગણેશ મહોત્સવને સેવા અને માનવતાની મહેકથી વિશેષ પ્રેરણાદાયી બનાવાયો હતો. મંડળે બીલીમોરા એનએમપી બ્લડ બેંક અને ગણદેવી તાલુકા પત્રકાર સંઘના સહયોગથી 239 યુનિટ રક્તદાન યોજી સમાજસેવાનો ઉત્તમ સંદેશ આપ્યો.
મુસ્લિમ NRI દાતા એ આપી પ્રોત્સાહન રૂપી ભેટ
દરેક ક્ષણે દુનિયામાં અનેક જીવનો મોત સામે ઝઝૂમતા હોય છે, ત્યારે રક્તદાન કોઈક માટે જીવનદાન સમાન બની શકે છે. આ જ ઉમદા હેતુ સાથે મંડળે વર્ષો વર્ષથી એનઆરઆઈ દાતા હાજી નજમાબેન અબ્બાસભાઈ મલેક અને મેકી અબ્બાસભાઈ મલેકના પ્રોત્સાહનથી રક્તદાન શિબિરનું આયોજન ચાલુ રાખ્યું છે.
રવિવારના દિવસે વરસતા વરસાદ વચ્ચે પણ ઉત્સાહભેર 239 રક્તદાતાઓએ રક્તદાન કરી સમાજમાં ધર્મ સાથે સેવા પ્રસરાવી. આ પ્રસંગે ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ, જિલ્લા ભાજપ અધ્યક્ષ ભૂરાભાઈ શાહ, તાલુકા ભાજપ પ્રમુખ શૈલેષ હળપતિ, બીલીમોરા પાલિકા પ્રમુખ મનીષભાઈ પટેલ, ભાજપ પ્રમુખ નિરવ ટેલર, નગરસેવિકા મનીષા પટેલ, પીઆઈ જયદીપસિંહ ચાવડા તથા અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા.
રક્તદાતાઓને સંભારણા સ્વરૂપે બેગ અને મસાલા આપવામાં આવ્યા જ્યારે ભાગ્યશાળી રક્તદાતાને ટીવી અને સાયકલ ભેટરૂપે આપી ઉત્સાહ વધારવામાં આવ્યો.
આવો ઉમદા પ્રયત્ન બીલીમોરા શહેરમાં માનવતા, સેવા અને એકતા નો જીવંત સંદેશ આપે છે.