નવસારી મહાનગરપાલિકા કચેરીની બાજુમાં આવેલ શાકભાજી માર્કેટમાં ભારે પાણી ભરાતા વેપારીઓ અને ખરીદદારો મુશ્કેલીમાં મુકાયા છે. મનપા દ્વારા નાખવામાં આવેલી પાણીની લાઈનમાંથી યોગ્ય નિકાલ ન થતાં માર્કેટ વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જતાં હાહાકાર મચી ગયો છે.
પાણીના જમાવડાને કારણે વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વેપારીઓનું કહેવું છે કે, દરેક વરસાદી સિઝનમાં આવો જ પરિસ્થિતિ સર્જાય છે, પરંતુ મનપા તરફથી કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. જેના કારણે રોજિંદા ધંધામાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે.
પાણીનો નિકાલ કરવા માટે મહાનગરપાલિકા કર્મચારીઓ પોતાની ટીમ સાથે તાત્કાલિક માર્કેટ વિસ્તારમાં પહોંચી ગયા હતા. જોકે, આ તાત્કાલિક વ્યવસ્થા માત્ર સમયસર રાહત પૂરતી જ રહે છે અને મૂળ સમસ્યા યથાવત રહી જાય છે.
શાકભાજી માર્કેટમાં આવતા ખરીદદારોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પાણી ભરાયેલા વિસ્તારમાં ચાલવામાં અને ખરીદી કરવામાં અવરોધ ઊભો થવાથી લોકો પરેશાન થયા હતા.
વેપારીઓએ મનપાને કાયમી વોટર લોગીંગની સમસ્યાનો ઉકેલ લાવવા માટે તાત્કાલિક પગલા ભરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી પરિસ્થિતિ સર્જાય નહીં.
