નવસારી શહેરના સેન્ટ્રલ બેન્ક વિસ્તાર નજીક આવેલ લેન્ડમાર્ક મોલના બેઝમેન્ટમાં મૂકાયેલા મીટરમાં આજે બપોરે અચાનક આગ ભભૂકી ઉઠી. પ્રાથમિક માહિતી મુજબ, આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાય છે.
મીટર પેટીમાં આગ લાગતાં મોલમાં ધુમાડો ફેલાતાં મોલની ઓફિસોમાં હાજર કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ, અને બધા લોકોએ ઝડપથી ઓફિસો ખાલી કરી સુરક્ષિત સ્થળે આશરો લીધો. ઘટનાની જાણ થતા નવસારી મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો, જેના કારણે મોટી જાનહાની ટળી.
આગ લાગવાના કારણે લેન્ડમાર્ક મોલ અને આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો. ઘટનાની જાણ થતા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા કામગીરી શરૂ કરી.
આ ઘટનાની જાણ થતાં નવસારી ટાઉન પોલીસ પણ સ્થળ પર પહોંચી આગના કારણ અંગે વધુ તપાસ શરૂ કરી છે. સમયસર આગ કાબુમાં આવી જતાં મોટો અકસ્માત ટળ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું.