નવસારીમાં જ્વેલર્સને સસ્તા દરે આંગળીઓ આપી આપવાની લાલચ આપીને 25 લાખ રૂપિયાની ઠગાઈ કરનાર બે આરોપીને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે.
માહિતી મુજબ, આરોપીઓ Just Dial એપ્લિકેશન મારફતે જ્વેલર્સના નંબર શોધતા હતા અને તેમને બજારભાવ કરતાં સસ્તા દરે આંગળીઓ આપવાની લોભામણી ઓફર કરતા હતા. આ જ રીતે, નવસારીના લિબર્ટી જ્વેલર્સના માલિકને પણ લાલચ આપી વિશ્વાસમાં લઈને 25 લાખ રૂપિયા મુંબઈ મોકલાવ્યા હતા. બાદમાં માલ ન મળતા વેપારીએ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદને આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. પોલીસે તેમની પાસેથી સો ટકા મુદ્દામાલ – 25 લાખ રૂપિયા અને મોબાઈલ ફોન કબજે કર્યા છે.
પકડાયેલા આરોપીઓના નામ છે
• મુસ્તુભાઈ હસનબાઈ ઘાંચી (રહે. થરાદ, બનાસકાંઠા તથા નાગલપુર, મહેસાણા)
• ખુદુશ ઇનાયતખાન (રહે. નાલાસોપારા, જિલ્લા પાલઘર, મહારાષ્ટ્ર)
પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે. તેઓ વર્ષ 2017માં અમદાવાદ અને વર્ષ 2020માં મુંબઈમાં પણ આવી જ પ્રકારની ઠગાઈના ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે.
નવસારી એલસીબીની આ કાર્યવાહીથી જ્વેલર્સ વેપારીઓમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે.
