નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના આતલિયા ગામમાં આવેલી આતલિયા GIDC ખાતે ગણેશનગર પાસે આવેલ પ્લાસ્ટિકના ગોડાઉનમાં આજે અચાનક આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજી અકબંધ છે.
આગની જાણ થતાં જ બિલીમોરા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે ગોડાઉનમાં રહેલું મોટાપાયે પ્લાસ્ટિક સામાન બળી ખાક થઈ ગયું, જેના કારણે ભારે નુકસાન થયું હોવાનું અનુમાન છે.
સાથે સાથે પોલીસ તંત્ર પણ ઘટનાસ્થળે પહોંચી સલામતી અને ટ્રાફિક નિયંત્રણની જવાબદારી સંભાળી હતી. સાવચેતીના ભાગરૂપે ગણદેવી ફાયર વિભાગની ટીમને પણ સ્ટેન્ડબાય રહેવા સૂચના આપવામાં આવી હતી.
અધિકારીઓ દ્વારા આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે. સદભાગ્યે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.