નવસારી શહેરમાં મોડી રાત્રે બે ગેંગ વચ્ચે તણાવજનક મારામારીની ઘટના બની હતી. વિરાવળ રોડ પર આવેલ બોસ્ટન ટી સામે શુક્રવારે રાત્રે આશરે બાર વાગ્યે થયેલી આ અથડામણમાં ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, મારામારી દરમિયાન રેમ્બો ચપ્પુ સહિતના ધારદાર હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે આસિફ, ઇમરાન શેખ અને સિદ્ધુ થોરાટ નામના યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તાત્કાલિક ત્રણેયને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ હિંસક અથડામણ જૂની અદાવતને કારણે થઈ હતી.
હાલમાં ઇમરાન શેખ અને સિદ્ધુ થોરાટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે આસિફને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસ સૂત્રો મુજબ સિદ્ધુ થોરાટ અગાઉ પણ શહેરના અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે.
