નવસારી જિલ્લાના મરોલી વિસ્તારમાં સુરતના કુખાત ગુનેગાર સલમાન લસ્સી પર ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને મળેલી માહિતી મુજબ, સલમાન લસ્સી છેલ્લા ઘણા સમયથી સુરત શહેરના ડીંડોલી, લિબાયત અને ભેસ્તાન વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલો હતો અને તેના પર હત્યા, મારામારી તથા ખડની સહિત આશરે 15 જેટલા ગુનાઓ નોંધાયેલા છે.
ક્રાઇમ બ્રાંચની ટીમ મરોલી વિસ્તારમાં પહોંચી હતી ત્યારે ડાભેલા ના આશિયાના મહોલ્લા પાસે સલમાન લસ્સીને પકડી લેવાની કાર્યવાહી દરમિયાન તેણે ચપ્પુ વડે પોલીસ પર હુમલો કર્યો હતો. અચાનક થયેલા હુમલા સામે પોલીસ કર્મચારીઓએ આત્મરક્ષણમાં ફાયરિંગ કર્યું હતું, જેમાં સલમાન લસ્સીના પગના ભાગે ગોળી વાગી હતી. તેને તાત્કાલિક ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેનું સારવાર કાર્ય ચાલી રહ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ, સલમાન લસ્સી લાંબા સમયથી વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલો હતો અને સુરત શહેરના અનેક વિસ્તારોમાં તેનો આતંક ફેલાયો હતો. પોલીસને તેના વિરુદ્ધ અનેક ફરિયાદો મળી હતી અને તે ઘણા સમયથી પોલીસની નજરમાંથી ફરાર હતો.
મરોલીમાં બનેલી આ ઘટના બાદ ક્રાઇમ બ્રાંચ અને સ્થાનિક પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કરી સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ આગળ વધારવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, આ કાર્યવાહી દરમિયાન આત્મરક્ષણમાં ફાયરિંગ કરવું પડ્યું હતું અને સમગ્ર ઘટના અંગે departmental તપાસ શરૂ કરવામાં આવી છે.
