નવસારી જિલ્લામાં નેશનલ હાઇવે નંબર 48 પર વેજલપોર પાટિયા નજીક લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. માહિતી મુજબ અમદાવાદથી મહારાષ્ટ્ર તરફ જઈ રહેલી લક્ઝરી બસને ડમ્પર ચાલકે ગફલતભરી રીતે વળાંક લેતા ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો આગળનો ભાગ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયો, તેમ છતાં સદનસીબે બસમાં સવાર અંદાજે દસ મુસાફરોના આબાદ બચાવ થયો હતો.
અકસ્માતના કારણે નેશનલ હાઇવે પર થોડા સમય માટે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ વેસ્મા આઉટપોસ્ટના પોલીસ જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ અને ટ્રાફિક નિયંત્રણની કામગીરી હાથ ધરી હતી. પોલીસ દ્વારા બસને મુખ્ય માર્ગ પરથી ખસેડીને ટ્રાફિકને હળવો બનાવવામાં આવ્યો હતો.
સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી, પરંતુ અકસ્માતના કારણે મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
