નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા શહેરના તમામ મિલકત ધારકોને એક મહત્વપૂર્ણ અને અંતિમ સૂચના આપવામાં આવી છે. મહાનગરપાલિકાએ જાહેર ઘોષણા દ્વારા સ્પષ્ટ કર્યું છે કે તા. 31 ડિસેમ્બર, 2025 મિલકત વેરા ચૂકવવાની અંતિમ તારીખ નક્કી કરવામાં આવી છે. શહેરમાં રહેણાંક તેમજ વ્યાવસાયિક બંને પ્રકારની મિલકતો ધરાવતા માલિકોએ આ તારીખ સુધીમાં પોતાના બાકી રહેલા તમામ મિલકત વેરાની સંપૂર્ણ ચુકવણી કરવી ફરજિયાત છે.
મહાનગરપાલિકાએ ચેતવણી આપી છે કે જો કોઈ મિલકત ધારક નિર્ધારિત અંતિમ તારીખ સુધી વેરા ચૂકવવામાં નિષ્ફળ રહેશે, તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આવી મિલકતોને વીજ પુરવઠો, પાણી પુરવઠો અને ડ્રેનેજ કનેક્શન જેવી મૂળભૂત નગર સેવાઓથી વંચિત કરવામાં આવશે. આ કાર્યવાહી અમલમાં મૂકવા માટે સંબંધિત સેવા પ્રદાતા એજન્સીઓ, જેમ કે DGVCL સાથે સંકલન કરી પગલાં લેવામાં આવશે.
નવસારી મહાનગરપાલિકાએ તમામ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પોતાની નાગરિક ફરજ સમજી સમયસર મિલકત વેરાની ચુકવણી કરી નગરના વિકાસ કાર્યોમાં સહયોગ આપે. નિયમિત વેરા ચુકવણીથી શહેરમાં પાણી પુરવઠો, ડ્રેનેજ, સફાઈ, માર્ગ વિકાસ સહિતની આવશ્યક સેવાઓ સતત અને સુચારુ રીતે પૂરી પાડવી શક્ય બને છે. તેથી મિલકત ધારકોને વિનંતી છે કે તાત્કાલિક બાકી વેરાની ચુકવણી કરી પોતાની મિલકતને કડક કાર્યવાહી અને સુવિધા કપાતથી બચાવે.