નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. બીલીમોરા થી નવસારી દિશામાં જતી એક સરકારી બસને અકસ્માત નડ્યો હતો. બસના ડ્રાઈવરે પહેલા એક રિક્ષા સાથે અથડામણ કરી અને ત્યારબાદ બસ સાઈડમાં પાર્ક કરવાનો પ્રયાસ કરતાં સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે બસ ધડાકાભેર એક દિવાલ સાથે અથડાઈ હતી.
આ ઘટનામાં બસમાં સવાર તમામ 40 મુસાફરોનો આબાદ બચાવ થયો છે, જે રાહતના સમાચાર છે. જોકે અકસ્માતના કારણે દિવાલ પાસે પાર્ક કરવામાં આવેલા બે અન્ય વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે.
ઘટનાની જાણ બીલીમોરા પોલીસને થતાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. બસના ડ્રાઇવરને પૂછપરછ માટે બીલીમોરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. વધુ તપાસ અને જવાબદારી નક્કી કરવા કાર્યવાહી ચાલુ છે.