નવસારી શહેરમાં ઉતરાયણ બાદ પણ પતંગના દોરાના કારણે ગળું કપાવાની ઘટનાઓ યથાવત સામે આવી રહી છે. તહેવાર પૂર્ણ થયા બાદ પણ આવા અકસ્માતો અટકવાનું નામ લેતા નથી, જે નાગરિકોની સલામતી માટે ગંભીર ચિંતા ઊભી કરે છે.
તાજી ઘટનામાં નવસારી જિલ્લા કલેકટર કચેરીની બહાર બાઈક પર જઈ રહેલા એક યુવકનું ગળું દોરાથી કપાઈ જવાની ઘટના બની હતી. ઘટનાના કારણે માર્ગ પર અચાનક આપત્કાલીન સ્થિતિ સર્જાઈ હતી.
આ ઘટનામાં 25 વર્ષીય સાજન કનૈયાભાઈ જોગી બાઈક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક દોરો ગળામાં ફસાતાં ગંભીર ઇજા પહોંચી હતી. આસપાસ હાજર લોકો તરત મદદે દોડી આવ્યા હતા.
ગળું કપાઈ જતાં યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ તેમની તબીબી તપાસ અને સારવાર ચાલી રહી છે.
આ ઘટનાને લઈ શહેરમાં ફરી એકવાર પાકા દોરા અને ચાઈનીઝ દોરાના જોખમ સામે સખ્ત પગલાં લેવાની માંગ ઉઠી છે, જેથી ભવિષ્યમાં આવા બનાવો અટકાવી શકાય.
