શ્રાવણ મહિનાની આજથી શરૂઆત થતાં, ભક્તોમાં શિવપૂજનની લાગણી ઊંડાઈ છે. આજે શ્રાવણના પ્રથમ સોમવારે, બીલીમોરાના મીની સોમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારે જ ભક્તોની ભીડ ઉમટી હતી. “હર હર મહાદેવ” ના જયઘોષ વચ્ચે મંદિર પરિસર શિવમય બન્યું હતું.
મંદિરના દ્વાર વહેલી સવારે ખુલી જતા ભક્તો મંગળા આરતીમાં જોડાયા અને ભગવાન શંકરના આશીર્વાદ મેળવ્યા. આ પૌરાણિક મંદિરનું વિશેષ મહત્વ એ છે કે અહીં ભગવાન ભોળાનાથ સ્વયંભુ શિવલિંગ સ્વરૂપે બિરાજે છે. દક્ષિણ ગુજરાતમાં આ મંદિર શ્રદ્ધાળુઓ માટે શ્રદ્ધાનું મોટું કેન્દ્ર માનવામાં આવે છે.
શ્રાવણ માસ દરમિયાન દરેક સોમવારે મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના તથા ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સમગ્ર મંદિર પરિસરમાં ભક્તોની ભક્તિ, ભાવના અને શાંતિનો અનોખો માહોલ જોવા મળ્યો.