હીરા ઉદ્યોગએ રોજગારી આપતું અને અર્થતંત્રને મજબૂત કરતો મહત્વનો ઉદ્યોગ છે. છેલ્લા ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય બજારોમાં યુદ્ધ અને આર્થિક મંદીના કારણે હીરા ઉદ્યોગમાં મંદીનું મોજું ફરી વળ્યું છે જેને લઇને ઉત્તર ગુજરાતમાંથી અને સૌરાષ્ટ્રમાંથી નવસારીમાં રોજગારી માટે આવતા રત્ન કલાકારોની સમસ્યામાં વધારો થયો છે. દિવાળી ટાણે 10 દિવસ પહેલા વેકેશન પડી ગયું છે અને ક્યારે શરૂ થશે તેનું હજુ કોઈ નક્કી નથી. દિવાળી ટાણે પરિવારો સાથે રત્ન કલાકારો માદરે વતન જવા માટે નીકળ્યા છે પરંતુ ખાનગી ટુર ઓપરેટરો દ્વારા ભાડા વધારી દેવાતા રત્ન કલાકારોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. જે ભાડાના 700 કે 1000 રૂપિયા હતા તે સીધા 2000 અને 2500 સુધી પહોંચી ગયા છે. રત્ન કલાકારોને એક તો બેરોજગારી સતાવી રહી છે અને ઉપરથી મોંઘવારી રડવા જેવું વાતાવરણ ઊભું કરી દીધું છે.
રાજ્ય સરકાર ભાડા વધારનારા ટુર ઓપરેટર ઉપર પગલાં લે તેવી માંગ..
નવસારી શહેરમાં રોજગારી માટે આવેલા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના રત્ન કલાકારોને વતન જવા માટે ઓછી ટ્રેનોના સ્ટોપેજ ના કારણે ખાનગી બસોમાં જવું પડે છે. જેને લઈને ખાનગી બસમાં જવા મજબૂર બન્યા છે પરંતુ એમાં ભાડું વધુ વસૂલવામાં આવી રહ્યું છે. ભાડું વધુ વસૂલ કરતાં ઓપરેટરો સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ રત્ન કલાકારો કરી રહ્યા છે.
નવસારીમાં સૌથી વધુ રોજગાર આપતો હીરા ઉદ્યોગ મરણ પથારીએ..
રોજગારી એ હાલના સમયનો યક્ષ પ્રશ્ન બની ગયો છે. નવસારી શહેરને સૌથી વધુ રોજગારી આપનાર હીરા ઉદ્યોગમાં આંતરરાષ્ટ્રીય યુદ્ધના કારણે ભયંકર મંદીનો માહોલ છવાયો છે. નવસારીમાં અંદાજે 1,000 થી વધુ કારખાના ધરાવતા અને 50,000 થી વધુ લોકોને રોજગારી આપતો હીરા ઉદ્યોગમાં દસ દિવસ પહેલા કારખાના બંધ અને કારખાનેદારોને જોબ વર્ક ન મળવાની સમસ્યા સતાવી રહી છે….
નવસારીમાં 1000 જેટલા નાના હીરાના કારખાના બંધ થઈ ચૂક્યા છે…
નવસારી જિલ્લાને સૌથી વધુ રોજગારી આપતો હીરા ઉદ્યોગ આજે મરણ પથારીએ પડ્યો છે. છેલ્લા દસ વર્ષમાં 1000 જેટલા કારખાનાઓ બંધ થઈ ચૂક્યા છે અને હાલ 1,000 જેટલા કારખાનાઓ રોજગારી તો આપે છે પરંતુ કારખાનેદારોને હવે જોબ વર્ક મળતું બંધ થયું છે. નવસારી શહેરમાં પોલકી એટલે કે જીણા હીરા બનાવવાનું હબ ગણવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય યુદ્ધો અને મંદીના કારણે હીરા ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. જેને લઈને હીરાના કારખાને દારો અને રત્ન કલાકારો હેરાન પરેશાન થઈ રહ્યા છે..
સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને નવસારીનો હીરા ઉદ્યોગ આપે છે રોજગારી…
નવસારીને ધમધમતું રાખવામાં અને રોજગારી આપવામાં હીરા ઉદ્યોગનો ખૂબ મહત્વનો ફાળો છે. એમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાંથી આવીને રત્નકલાકાર તરીકે રોજગારી મેળવી પરિવારોનું ગુજરાત ચલાવે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી રત્નકલાકાર પરિવારોના માથે આભ પડ્યાની સ્થિતિ નિર્માણ થઈ છે. 50000 થી વધુ લોકોને રોજગારી મળે છે પરંતુ દિવાળી જેવા મહત્વના પર્વમાં પણ વહેલું વેકેશન અને મોડા કારખાના શરૂ થાય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. કેટલાક કારખાનાઓએ તો કાયમ માટે બંધ કરવી પડે તેવી પરિસ્થિતિ કારખાનેદારોને પણ સતાવી રહી છે. ભયંકર મંદીના કારણે હીરાના દલાલો પણ મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે..
હીરા ઉદ્યોગની મંદી રત્ન કલાકારોને રાતાપાણીએ રડાવી રહી છે..
ભારતીય સંસ્કૃતિમાં દિવાળી પર્વ એ હિંદુ ધર્મનું સૌથી મોટું પર્વ ગણવામાં આવે છે. સમગ્ર વર્ષ દરમિયાન મહેનત કરીને દિવાળી પર્વ દરમિયાન ઉજવણી કરવામાં આવતી હોય છે પરંતુ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા પરિવારોની દુઃખદાયક સ્થિતિ દિવાળીમાં આનંદ પ્રમોદના બદલે માથે હાથ દઈને બેસી રહેવા જેવી સ્થિતિ ઊભી થઈ છે. બદલાયેલી આંતરરાષ્ટ્રીય બજારની પરિસ્થિતિને કારણે હીરા ઉદ્યોગમાં બેરોજગારીનો માહોલ છવાયો છે. ..