નવસારીપ્રાકૃતિક ખેતીના પ્રણેતા રાજપાલશ્રી આચાર્યદેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળી રહ્યા છે. જેમાંથી નવસારી જિલ્લાના પ્રગતિશિલ ખેડૂતો પણ બાકાત નથી.
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના આછવણી ગામના પ્રગતિશિલ ખેડૂતશ્રી મહેશભાઇ ગુલાબભાઇ પટેલ છેલ્લા ૦૮ વર્ષથી પોતાની ૧૪ વીંઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરે છે. તેઓ આધુનિક યુગમાં પરંપરાગત ખેતીની સાથે સાથે મોબાઇલનો સદઉપયોગ પણ કરી જાણે છે. પ્રાકૃતિક ખેતી વિષયને લગતા દેશ અને દુનિયાના ખેડૂતોના વિડિયો જોતા અને તેમાંથી જે યોગ્ય લાગે તે પોતે પ્રયોગ કરી અપનાવતા હતા. તેમણે એક વિડિયો જોયો હતો ‘ઓર્ગેનિક હ્યુમિડ’ વિશેનો. જે પોતાની પ્રાકૃતિક ખેતીના વિષય સાથે સંલગ્ન લાગતો હતો. અને તે વિડિયોના કારણે પ્રાકૃતિક ખેતીમાં નવા અખતરા રૂપે ‘ઓર્ગેનિક હ્યુમિડ’નો ઉપયોગ કરતા થયા. આજે છેલ્લા એક વર્ષથી પ્રાકૃતિક ખેતીની સાથે સાથે ઓર્ગેનિક હ્યુમિડ બનાવી પોતાના ખેતરમાં સફળતાપુર્વક ઉપયોગ કરી રહ્યા છે.
શુ છે ઓર્ગેનિક હ્યુમિડ? કેવી રીતે બનાવવું: તેનો ફાયદો શો?
મહેશભાઇએ ‘ઓર્ગેનિક હ્યુમિડ’ વિશે જણાવ્યું હતું કે, આ રાંધેલા ભાતમાંથી બનાવવામાં આવે છે. ૦૨ કિલો ભાતને રાંધી કાઢવા, રાંધેલા ભાતને માટલામાં ભરી 3 દિવસ માટીમાં દાટીને રાખવું. ચોથા દિવસે ભાતને ૫૦ લીટર પાણીમાં ભેળવી દ્રાવણ બનાવી દેવું. આ તૈયાર થયેલા મિશ્રણને ૫-૫ લીટર પાણીમાં ભેળવી છોડના મુળમાં ડ્રિપથી અથવા હાથેથી નાખવું. જેના કારણે મુળિયાનો વધારે વિકાસ થાય છે. છોડના મૂળ વધારે બને છે. મૂળ વધારે હોવાના કારણે છોડની તદુંરસ્તી વધારે રહે છે. છોડ લીલુછમ રહે છે. બીજી કોઇ આડ અસર આવતી નથી. બજારમાં મળતા હ્યુમીડ કેમીકલ યુક્ત હોય છે. જે પાકને નુકશાન કરે છે. જ્યારે આ ઓર્ગેનિક હ્યુમિડ ઘરે જ તૈયાર કરી શકાય છે. ઘરે બચેલા ભાતમાંથી બની શકે છે. લગ્ન પ્રસંગમાં પણ બચી ગયેલા ભાતનો આ પ્રમાણે ઉપયોગ કરી શકાય છે.
મહેશભાઇના ૧૪ વીંધા જમીનમાં ૪ વીંઘા આંબા કલમ છે. ૨ વીંઘા પાલ્મ ઓઇલના ઝાડ કર્યા છે. બાકીની જમીનમાં સીઝનલ શાકભાજી કરે છે. આ ઉપરાંત મહેશભાઇ હરિયાણા સહિત વિવિધ રાજ્ય અને જિલ્લાઓમાં જ્યારે પણ તાલીમ માટે જાય છે ત્યારે ત્યાના પ્રખ્યાત ફળફળાદીના છોડ લઇ આવે છે. આજે તેઓ પાસે હિંગનું છોડ, મસાલા છોડ, તમાલ પત્રનું ઝાડ, સફરજન, ચેરી, મરી, અંજીર સહિત વિવિધ દેશી ફળના છોડ તંદુરસ્ત રીતે ઉગી રહ્યા છે.
તમણે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે, પાલ્મ ઓઇલમાં વર્ષે ૧.૫ લાખ અને આંબા કલમમાં ૨.૩૦ થી ૩ લાખ સુધીનોનો ચોખ્ખો નફો થાય છે. બન્ને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી દ્વારા થવાથી બીલ્કુલ ખર્ચ લાગતો નથી. આ ઉપરાંત શાકભાજીમાં અળવીના પાન, કંટોલા, રીંગણ, ભીંડા તથા તુવેર અને આંબા હળદળનો મિશ્ર પાક હાલ કર્યા છે જેમાં ડ્રીપ ઇરીગેશન પધ્ધતી તથા પંપ દ્વારા જીવામૃત આપવામાં આવે છે. જંતુનાશકમાં નિમાસ્ત્રનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત ઓર્ગેનિક હ્યુમિડ અને ઘનજીવામૃતનો ઉપયોગ કરે છે. જેના કારણે પ્રાકૃતિક ખેતીમાં કોઇ ખર્ચ થતો નથી. અને ફાયદો અઢળક થાય છે.
આ સાથે પ્રાકૃતિક ખેતી માટે બે ગીર ગાય છે. એક ગાય એક દિવસમાં ૧૦ લીટર ગૌમુત્ર અને ૧૦ કિલો છાણ આપે છે. જેનાથી ઘનજીવામૃત અને ૧૦૦ લીટર જીવામૃત બનાવી શકાય છે આમ એક ગાય પ્રાકૃતિક ખેતી માટે પર્યાપ્ત છે એમ મહેશભાઇએ ભાર પુર્વક ઉમેયું હતું.
ગાયોને ભાવતું બફાણું છે પચવામાં સરળ અને આરોગ્યથી ભરપુર
આટલુ જ નહી. મહેશભાઇને ત્યા ૦૨ ગીર ગાય અને બીજી અન્ય ૬ ગાય અને ભેંસ છે. ગાયોના ઓરોગ્ય સારા રહે અને દુધનું પ્રમાણ સારૂ મળે તે માટે ગાયોને બફાણું અનાજ આપે છે. તેઓના મત મુજબ આ બફાણું ગાયોને ભાવે છે પચવામાં સરળ છે અને આરોગ્યથી ભરપુર છે. જેમાં ઉપયોગમાં આવતુ અનાજ પોતાના જ ખેતરમાં ઉગાડેલું હોવાથી સંપૂર્ણ પ્રાકૃતિક અને કેમિકલ વગરનું છે. બફાણુંમાં પ્રાકૃતિક અનાજમાં ગુવાર, બાજરો, ઘઉં, મેથી અને ગોળ મિક્ષ કરી આપવામાં આવે છે. જેના કારણે ગાયોનું આરોગ્ય સારું રહે છે અને દુધની માત્રા પણ વધે છે. તેમના અનુસાર ગાયને કેમીકલ વગરનું દાણ આપવાથી આપણને પણ કેમીકલ વગતનું શુધ્ધ દુધ મળે છે.
મહેશભાઇએ અંતે ઉમેર્યું હતું કે, કેમિકલના ઉપયોગથી આજે અનેક રોગો ઉત્પન્ન થયા છે. જમીન પણ વધારે કડક બની છે. પ્રાકૃતિક ખેતીથી જમીન પોચી થાય છે અને ઉપજાવ બને છે. નવસારી જિલ્લામાં આટલો બધો વરસાદ આવ્યો છતા મારા ખેતરમાં પાણી રોકાયુ નથી. બધુ જમીનમાં પચી ગયું છે. પ્રાકૃતિક ખેતીના કારણે વરસાદનું પાણી સીધુ જમીનમાં પચી જાય છે. જેનુ કારણ પ્રાકૃતિક ખેતી થકી ઉત્પન્ન થતા દેશી અળસીયા છે. પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગ થતા જીવામૃતથી અળસીયાની માત્રા વધે છે. અળસીયા ૧૫ ફુટ જમીનમાં ઉતરે છે અને ઉપર આવે છે. તેનાથી જમીનમાં નાઇટ્રોજનની માત્રા વધે છે.
મહેશભાઇએ વર્ષ-૨૦૧૬માં પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી હતી. તેમણે નવસારી જિલ્લા આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રગતશિલ ખેડૂત તરીકે હરીયાણા ખાતે રાજપાલશ્રી આચાર્ય દેવવ્રતના ફાર્મની રૂબરૂ મુલાકાત લઇ પ્રાકૃતિક ખેતી શીખવાનો લાભ મેળવ્યો હતો. વર્ષ-૨૦૧૭-૧૮માં તેઓના ફાર્મ- “હિયાર્ન પ્રાકૃતિક કૃષિ ફાર્મ’ને મોડેલ ફાર્મ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રાકૃતિક ખેતી સહિત બફાણું અને ઓર્ગેનિક હ્યુમિડ જેવી બાબતોથી પોતાની ખેતીમાં સમયાંતરે પ્રયોગો કરતા રહેવાથી આછવણી ગામ સહિત સમગ્ર નવસારી જિલ્લામાં અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.