નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કરાડી ગામમાં ગણપતિના આગમન દરમિયાન ભયાનક અકસ્માત સર્જાયો હતો. ગામમાં મૂર્તિ લાવવાની મોસાળ ચાલતી હતી એ સમયે લોખંડનો પાઇપ હાઈટેન્શન લાઈનને અડી જતા કરંટ ફાટી નીકળ્યો. આ ઘટનામાં બે યુવાનોના મોત નીપજ્યા છે જ્યારે પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. દાઝેલા લોકોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મૃતકોમાં પ્રિતેશ પટેલ અને મિતુલ પટેલનો સમાવેશ થાય છે, જ્યારે ઈજાગ્રસ્તોમાં કેયુર પટેલ, નિશાંત પટેલ, વિજય પટેલ, કરીશ પટેલ અને નિલેશ પટેલનો સમાવેશ થાય છે. મૃતદેહોને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
ઘટના અંગે જલાલપોર પોલીસે તપાસ શરૂ કરી છે. નવસારી જિલ્લા તંત્ર દ્વારા 9 ફૂટથી ઊંચી ગણેશ મૂર્તિઓ પર પ્રતિબંધ હોવા છતાં શહેર અને જિલ્લામાં ઠેર ઠેર મોટી મૂર્તિઓ લાવવામાં આવી રહી હોવાનો ખુલાસો થયો છે. કરાડી ગામની આ દુર્ઘટનાએ ગણપતિ મહોત્સવની ખુશીમાં અચાનક શોક છવાઈ ગયો છે.