નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં તંગદિલીભર્યું માહોલ સર્જાયો છે, કારણ કે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ અને શાર્પ શૂટર ગેંગના ઈસમો વચ્ચે ઘર્ષણ સર્જાયું. મળતી માહિતી અનુસાર, હથિયારો સપ્લાય કરવા આવેલા ઈસમોને પકડવા પોલીસ પહોંચી ત્યારે શાર્પ શૂટર ગેંગના સભ્યોએ નાસવા માટે પોલીસ પર ગોળીબાર કર્યો. પોલીસએ સ્વરક્ષણમાં પ્રતિ ફાયરિંગ કરતા એક ઈસમના પગમાં ગોળી વાગી હતી, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
હોટલમાં રોકાયેલા અને હથિયારો આપવાના ઇરાદે આવેલા પાંચ ઇસમોમાંથી ચારને પોલીસએ કાબૂમાં લીધા છે. ઘટનાની જાણ થતાં જ સ્ટેટ મોનિટરિંગ સેલ સાથે નવસારી જિલ્લાના અન્ય સુરક્ષા દળો સ્થળ પર પહોંચી ગયા હતા.
પ્રાથમિક તારણ મુજબ, પકડાયેલા ઇસમો કુખ્યાત શાર્પ શૂટર ગેંગ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસએ સ્થળ પરથી હથિયારો તથા કાર્ટરિજ સહિતના પુરાવા જપ્ત કર્યા છે. હાલ આખી ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે અને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.
