આખું ગુજરાત નવરાત્રીની રાહ જોઈને બેઠું છે. નવરાત્રી આવે તે પહેલા મેઘરાજાએ ચારે તરફ ઠંડક કરી દીધી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ચોમાસાનો સમય છે. હવામાન વિભાગની આગાહી પણ છે જે અનુસાર વરસાદ વરસ્યો છે. ત્યારે નવસારી જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદનો કહેર પણ જોવા મળ્યો હતો.
નવસારી શહેરમાં હાલ એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે થોડો જ વરસાદ થાય તો કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. જેમાં નવસારી જિલ્લાનો પ્રજાપતિ આશ્રમ ચાર ફૂલ પોલીસ ચોકી કુંભારવાડ શહીદ ચોક વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ વરસાદને કારણે થાય છે. ખાસ વાત તો એ છે કે નવસારી વરસાદ ધોધમાર પડે એટલે ચાર પુલ પોલીસ ચોકી વિસ્તારને સમસ્યા ઊભી થાય છે. આ તો થઈ નવસારી શહેરની વાત પરંતુ નવસારી રેલવે સ્ટેશનની સ્થિતિ પણ કંઈક આવી છે.
નવસારી રેલવે સ્ટેશન ખાતે વરસાદ પડવાની સાથે રેલવે સ્ટેશનનું છાપરું લીકેજ થતા ધોધ વરસી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. અગાઉ પણ આ જ પ્રકારની સ્થિતિ નવસારી રેલવે સ્ટેશન ખાતે બની હતી. જેમાં રેલ્વે તંત્ર દ્વારા ખુલાસો આપતા જણાવ્યું હતું કે છાપરામાં એક નાનો દડો આવી જવાને કારણે લાઈન ચોક થતા પાણી છાપરામાંથી લીકેજ થઈ રહ્યું હતું. જે બાદ ફરી આજે વરસાદ પડતા આવા દ્રશ્યો સામ આવ્યા હતા.
પ્રજાપતિ આશ્રમ પાસે પણ પાણીનો રેલો વહી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ચાર વાગ્યે વરસાદની શરૂઆત થઈ અને સાડા ચાર સુધીમાં તો રસ્તા ઉપર પાણીની વેલમછેલ થઈ ગઈ હોય તેવા વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા. બીજી તરફ ખેલૈયાઓની મજા તો બગડી જ છે. ત્યારે હવે શું સ્થિતિ સર્જાય તેને લઈને લોકો મૂંઝવણમા મુકાયા છે.