નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલા બે મહત્વના જળાશયો કેલિયા ડેમ અને જુજ ડેમ આજે ૧૦૦ ટકા પાણી ભરાઈ જતા ઓવરફ્લો થયા છે. ડેમ ઓવરફ્લો થવાના પગલે ડેમની નીચેવાસના કુલ ૪૬ ગામોના નાગરિકોને તાત્કાલિક એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં વાંસદા, ચીખલી, ગણદેવી અને ખેરગામ તાલુકાના ગામોનો સમાવેશ થાય છે.
જુજ ડેમ, જે કાવેરી નદી પર જુજ ગામ ખાતે આવેલ છે, તે ૧૫ જુલાઈના રોજ વહેલી સવારે ૩:૦૦ કલાકે સંપૂર્ણ સપાટીએ ભરાઈ ઓવરફ્લો થયો હતો. ડેમમાંથી હાલમાં ૨૩૨.૩૩ ક્યુસેક પાણીનો પ્રવાહ ઓવરફ્લો થઈ રહ્યો છે. ડેમની સંપૂર્ણ જળ સપાટી ૧૬૭.૫૦ મીટર છે, જ્યારે આજ સવારે ૧૦ વાગ્યે નાપેલ સપાટી ૧૬૭.૮૦ મીટર નોંધાઈ હતી. ડેમના ઓવરફ્લો થતા વાંસદા તાલુકાના ૧૩, ચીખલીના ૬ અને ગણદેવીના ૬ એમ કુલ ૨૫ ગામોને એલર્ટ આપવામાં આવ્યા છે.
તે જ રીતે કેલિયા ડેમ, જે ખરેરા નદી પર આવેલ છે, તે પણ આજના દિવસે સવારે ૧૦ વાગ્યે સંપૂર્ણ ભરાઈને ઓવરફ્લો થયો છે. ડેમમાં હાલ ૧૧૭૭.૧૬ ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. કેલિયા ડેમની સંપૂર્ણ જળ સપાટી ૧૧૩.૪૦ મીટર છે. આ ડેમના કારણે વાંસદા, ચીખલી, ખેરગામ અને ગણદેવી તાલુકાના કુલ ૨૧ ગામોને સાવચેતીના એલર્ટ આપવામાં આવ્યા છે. જેમાં ચીખલીના ૧૬, ગણદેવીના ૫, વાંસદાનો ૧ અને ખેરગામનો ૧ ગામ શામેલ છે.
આમ, બંને ડેમ ઓવરફ્લો થતા સ્થાનિક તંત્ર દ્વારા લોકોને નદી કાંઠા પર જવાનું ટાળવા માટેની અપીલ પણ કરવામાં આવી છે. બીજી તરફ, ડેમોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોમાં સિંચાઈના પાણીની ચિંતા દૂર થઈ છે અને આનંદનો માહોલ જોવા મળ્યો છે. ખરીફ અને રવિ સિઝનમાં આ ડેમો ખેડૂતો માટે જીવનદાયી સાબિત થાય છે.