નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ફરીથી એક જંગલી પ્રાણીની હાજરીથી સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. વાંસદા તાલુકાના નાનીવાલઝર વિસ્તારમાં આવેલી પટેલ વાડીના એક રહેણાંક ઘરમાં દીપડો ઓટલામાં ફરતો નજરે પડ્યો હતો.
આ ઘટના ગઈ કાલે શુક્રવાર બાદ રાત્રે આશરે ૧૨ વાગી ને ૧૫ મિનિટે બની હતી, જ્યારે ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં દીપડો સ્પષ્ટ રીતે કેદ થયો હતો. દૃશ્યોમાં જોઈ શકાય છે કે દીપડો ઘરના ઓટલાની આસપાસ આંટા મારી રહ્યો છે અને કદાચ શિકારની શોધમાં આસપાસ શોધખોળ કરી રહ્યો છે.
રહેણાંક વિસ્તારમાં અચાનક આ રીતે દીપડો દેખાતા સ્થાનિક રહીશોમાં ભય ફેલાયો છે. લોકોમાં ચિંતા છે કે દીપડો કોઈ નુકસાન ન કરે અને બાળકો, ઘરની મહિલાઓ તેમજ વૃદ્ધો માટે સુરક્ષાનું ખતરો ઊભો થાય તે પહેલાં યોગ્ય પગલાં લેવાય.
ઘટનાની જાણકારી મળતાની સાથે જ વાંસદા વન વિભાગના અધિકારીઓને માહિતી આપવામાં આવી હતી. અધિકારીઓએ સ્થળ પર જરૂરી કાર્યવાહી શરૂ કરી છે અને આસપાસના વિસ્તારનું સર્વે શરૂ કર્યું છે.
અધિકારીઓ દ્વારા લોકોને રાત્રિના સમયે બહાર ન નીકળવાની, ખાસ કરીને બાળકો અને પાળતુ પ્રાણીઓની સંભાળ રાખવાની સૂચના આપવામાં આવી છે.