વલસાડ વર્તુળ કચેરી વિસ્તારમાં તા. 27 અને 28 સપ્ટેમ્બર દરમિયાન આવેલા મીની વાવાઝોડા, અતિભારે વરસાદ અને તોફાની પવનના કારણે વીજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વ્યાપક નુકસાન થયું હતું. વાવાઝોડા અને વરસાદના કારણે અનેક HT અને LT વીજ પોલ તેમજ ટ્રાન્સફોર્મર ધરાશાયી થતા હજારો ગ્રાહકોના વીજ પુરવઠા પર સીધી અસર થઈ હતી. વીજ તારો તૂટી પડ્યા હતા અને અનેક વૃક્ષો વીજ લાઇન પર આવી પડતા વિતરણ નેટવર્કને ગંભીર નુકસાન થયું હતું.
પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે વલસાડ વર્તુળ કચેરી દ્વારા અવિરત કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો હતો. વિભાગીય સ્તરે અધિકારીઓ, ઇજનેરો અને કર્મચારીઓ તાત્કાલિક મરામત કામગીરીમાં જોડાયા હતા. વધારાની મશીનરી, વાહનો અને આશરે 40 કોન્ટ્રાક્ટર ગેંગોને ખાસ કરીને ચીખલી, બિલીમોરા ગ્રામ્ય વિસ્તાર, વલસાડ શહેર અને વાંસદા તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યરત કરવામાં આવ્યા હતા. દિવસ-રાત અવિરત મહેનતથી વીજ પુરવઠાની પુનઃસ્થાપના માટે કામગીરી હાથ ધરાઈ હતી.
વિસ્તારવાર નુકસાન વિગતો:
• વલસાડ જિલ્લો: 1 HT પોલ, 35 LT પોલ અને 1 ટ્રાન્સફોર્મરને નુકસાન → 1,266 ગ્રાહકો અસરગ્રસ્ત
• નવસારી જિલ્લો: 114 HT પોલ, 130 LT પોલ અને 9 ટ્રાન્સફોર્મરને નુકસાન → 36,754 ગ્રાહકો અસરગ્રસ્ત
• ડાંગ જિલ્લો: 19 HT પોલ, 2 LT પોલ અને 2 ટ્રાન્સફોર્મરને નુકસાન → 3,820 ગ્રાહકો અસરગ્રસ્ત
કુલ મળીને 134 HT પોલ, 167 LT પોલ અને 12 ટ્રાન્સફોર્મરને નુકસાન થતાં 41,840 જેટલા ગ્રાહકોના વીજ પુરવઠા પર સીધી અસર થઈ હતી. વીજ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરી મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે.
