નવસારી જિલ્લા ભાજપમાં સંગઠનાત્મક ફેરફારો સાથે નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટીના સંગઠનને વધુ મજબૂત અને સંતુલિત બનાવવા માટે જિલ્લાનું નવું માળખું જાહેર કરાયું છે, જેમાં અનુભવ અને યુવાનીનો સમન્વય જોવા મળે છે.
સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય વર્ણીઓને લઈને ચર્ચા ચાલી રહી હતી. પ્રદેશ સંગઠન માળખું જાહેર થયા બાદ હવે ધીમે ધીમે જિલ્લાકક્ષાનું સંગઠન માળખું જાહેર કરવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાત બાદ હવે અંતે નવસારી જિલ્લાનું પણ સંગઠન માળખું જાહેર કરવામાં આવ્યું છે.
આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકીય દાવપેચ ખેલવામાં આવ્યો છે. સમગ્ર જિલ્લામાં તાલુકાવાર પ્રતિનિધિત્વ, જાતીય અને સામાજિક સમીકરણો તેમજ નવી કેડર ઊભી થાય તેવા ઉદ્દેશ સાથે સંગઠન રચના કરવામાં આવી છે.
તમામ તાલુકાઓને સંતુલિત કરતું સંગઠન માળખું
નવસારી જિલ્લો આદિવાસી બહુલ જિલ્લો તરીકે ઓળખાય છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને ભાજપે સમગ્ર જિલ્લામાંથી પ્રતિનિધિત્વ મળે તેવો સંતુલિત પ્રયાસ કર્યો છે. સંગઠન અને ચૂંટણી પ્રક્રિયામાં તમામ તાલુકાઓ અને કાર્યકર્તાઓને કામ કરવાની તક મળે તે દિશામાં રચના કરવામાં આવી છે.
ત્રણ જિલ્લા મહામંત્રીઓની જાહેરાત
નવસારી જિલ્લામાં ત્રણ જિલ્લા મહામંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે.
- જીગર દેસાઈ
- શાંતિલાલ પટેલ
- ડો. લોચન શાસ્ત્રી
નવસારી ગ્રામ્ય વિસ્તાર, ગણદેવી તાલુકો અને આદિવાસી બહુલ વાંસદા તાલુકામાંથી એક-એક પ્રતિનિધિને મહામંત્રી બનાવવામાં આવ્યો છે. ડો. લોચન શાસ્ત્રી તાલુકા મહામંત્રી તરીકેનો અનુભવ ધરાવે છે, શાંતિલાલ પટેલે ગણદેવી તાલુકા ભાજપ પ્રમુખ તરીકે કામગીરી કરી છે, જ્યારે જીગર દેસાઈને જિલ્લા ઉપપ્રમુખ તેમજ સંગઠનાત્મક કામગીરીનો વિશાળ અનુભવ છે.
ઉપપ્રમુખ તરીકે આઠ ચહેરાઓ
જિલ્લાના રાજકીય સંતુલન માટે આઠ ઉપપ્રમુખોની વરણી કરવામાં આવી છે:
અશોકભાઈ ગજેરાજે, હેમલતાબેન ચૌહાણ, અશોકભાઈ ભગુભાઈ પટેલ, ધીરુભાઈ ભાડજા, પ્રકાશ પાટીલ, મુકેશ પટેલ, રાજેશભાઈ પટેલ અને મનહરભાઈ કરસનભાઈ પટેલ.
આ તમામ ઉપપ્રમુખો અલગ અલગ તાલુકા, શહેર અને સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, જેના કારણે સમગ્ર જિલ્લાનું સંગઠન મજબૂત બનશે.
જિલ્લા મંત્રીઓની મહત્વપૂર્ણ ટીમ
ભાજપે જિલ્લાકક્ષાએ આઠ મંત્રીઓની પણ નિમણૂક કરી છે, જેમાં ગણદેવી, જલાલપુર, વાસદા, ચીખલી અને બીલીમોરા સહિતના વિસ્તારોનું પ્રતિનિધિત્વ સામેલ છે. મહિલા, યુવા અને સામાજિક પ્રતિનિધિત્વને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.
સોશિયલ મીડિયા વિભાગમાં જીગરભાઈ નાયક, આઈટી વિભાગમાં રાજેશભાઈ ટેલર અને મીડિયા વિભાગમાં સમકિત બંસીલાલ શ્રીમાળની નિમણૂક કરવામાં આવી છે.
વિવિધ મોરચાઓ દ્વારા જાતીય અને સામાજિક સંતુલન
અનુસૂચિત જાતિ મોરચા
અનુસૂચિત જનજાતિ મોરચા
લઘુમતી મોરચા
યુવા મોરચા
મહિલા મોરચા
કિસાન મોરચા
ઓબીસી (બક્ષીપંચ) મોરચા
દરેક મોરચામાં તાલુકાવાર અને શહેર આધારિત પ્રતિનિધિત્વ સાથે નવા તથા અનુભવી કાર્યકર્તાઓને જવાબદારી આપવામાં આવી છે, જેના કારણે સંગઠન વધુ મજબૂત બનશે.
કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા નવસારી જિલ્લાનું સંગઠન માળખું જાહેર થતાં જ કાર્યકર્તાઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અંદાજે 15 ટકા માળખું રીપીટ રાખવામાં આવ્યું છે, જ્યારે બાકીમાં નવા ચહેરાઓને તક આપવામાં આવી છે.
આવનારી સ્થાનિક સ્વરાજ્ય અને મહાનગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ માળખું તૈયાર કરવામાં આવ્યું છે. જોકે, કેટલાક નામોને લઈને રાજકીય ચર્ચાઓ પણ તેજ બની છે.

