નવસારીમાં મુલાકાતે આવેલા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી તથા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલએ ગણેશ ચતુર્થીને લઈને મંચ પરથી મહત્વપૂર્ણ ટકોર કરી છે. તેમણે જણાવ્યું કે, “ગણપતિની પ્રતિમા નાની હોય તો પણ પૂજા થાય છે, આસ્થા મહત્વની છે, મોટી મૂર્તિ નહીં.”
મૂર્તિ સ્થાપન વખતે વિવાદો ઉભા થવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે એમણે અધિકારીઓને અગાઉથી તૈયારી કરવા માટે કડક સૂચના આપી. સાથે જ એમણે એટલું પણ જણાવ્યું કે, “મૂર્તિ નિર્માણના કામ માટે વિસર્જન થયા પછીના બીજા જ દિવસે જ મૂર્તિકારોને સૂચના આપવામાં આવે તો મૂર્તિની ઊંચાઈ પર નિયંત્રણ આવી શકે.”
બીજી તરફ નવસારી જિલ્લાના લોકોમાં વંદે ભારત ટ્રેનના નવા સ્ટોપેજને લઈને ઉમંગની લાગણી છે. વર્ષોથી ચાલી રહેલી ટ્રેન સ્ટોપેજની માંગને અંત આવી છે. નવસારી જિલ્લાના પ્રવાસ દરમિયાન પાટીલએ મિડિયા સાથે વાત કરતાં આનંદ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે “ટ્રેનના અન્ય મુદ્દાઓ અંગે પણ કામ ચાલુ છે અને આગળ ઉકેલ લાવવામાં આવશે.”
વંદે ભારત ટ્રેનના નવસારી સ્ટોપેજ માટે જિલ્લાની જનતાએ અને કાર્યકર્તાઓએ સી.આર. પાટીલનું સન્માન કરી ખુશી વ્યક્ત કરી હતી.