ઇન્સ્ટાગ્રામ પર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે અશ્લીલ ગાળો અને અશ્લીલ હરકતો દર્શાવતી રિલ્સ બનાવનાર લોકો સામે નવસારી સાયબર ક્રાઇમ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સોશિયલ મીડિયા પર વધતી અસંસ્કારી સામગ્રીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
સાયબર ક્રાઇમ પોલીસના સોશિયલ મીડિયા મોનિટરિંગ દરમિયાન એક ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. પરથી અશ્લીલ રિલ્સ વાયરલ થતી હોવાનો ખુલાસો થયો હતો. આ આઈ.ડી. પર મોટી સંખ્યામાં ફોલોઅર્સ હોવા છતાં જાહેર શિસ્ત અને સામાજિક મૂલ્યોને ભંગ કરતી સામગ્રી નિયમિત રીતે અપલોડ કરવામાં આવતી હતી.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આ રિલ્સ સમાજ પર નકારાત્મક અસર કરે તેવી હતી. જેના આધારે નવસારી સાયબર ક્રાઇમ પોલીસે ભારતીય ન્યાય સંહિતા તેમજ આઈ.ટી. એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી હતી.
ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન સોર્સના આધારે પોલીસે આ મામલે સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી વધુ માહિતી મેળવવામાં આવી રહી છે.
આ સમગ્ર મામલે નવસારી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે અને તપાસ પૂર્ણ થયા બાદ કાયદા મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાથે સાથે, સોશિયલ મીડિયા વપરાશકર્તાઓને પણ જવાબદારીપૂર્વક પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.
