નવસારી જિલ્લામાં વધતા સાયબર ફ્રોડના કેસોને ધ્યાનમાં રાખી, જિલ્લા પોલીસ દ્વારા “ઓપરેશન સાઇબર સ્ટોર્મ” હાથ ધરવામાં આવ્યું. આ અભિયાનના અંતર્ગત ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના વિવિધ સ્થળોએ તપાસ કરીને ૩૫ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા.
આ યોજના હેઠળ જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ ૧૦ ફાઇનાન્સિયલ ફ્રોડના કેસોની તપાસ કરવામાં આવી. તપાસ દરમ્યાન પૈસાની ઠગાઈમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ફેસબુક આઈડી ફ્રોડ, શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને ઑનલાઇન ટ્રેડિંગ ફ્રોડનો સમાવેશ થયો. આ આરોપીઓએ કુલ રૂ. ૩ કરોડથી વધુની ઠગાઈ કરી હોવાનું બહાર આવ્યું છે.
જિલ્લા પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ ૯ જુદી-જુદી ટીમોની રચના કરવામાં આવી હતી, જેમણે નવસારી, સુરત, જયપુર અને મુંબઈ સુધી કામગીરીને આગળ વધારી.
સાઈબર ફ્રોડ જેવા ગંભીર કેસોમાં પોલીસે સાહસિકતા સાથે કાર્ય કરીને લોકોને ન્યાય અપાવ્યો છે. આ સફળતા સાબિત કરે છે કે સાઇબર ગુનાઓ સામે પોલીસ બાહોશ અને દ્રઢ પ્રતિબદ્ધ છે.
આમ, નવસારી પોલીસે તાજેતરના વર્ષોમાં સૌથી મોટી અને સફળ કામગીરીને અંજામ આપ્યો છે.