નવસારીના ગૌરવમાં એક ઐતિહાસિક સિદ્ધિ
નવસારી શહેર માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત ભવ્ય ફ્લાવર શોએ વૈશ્વિક સ્તરે શહેરનું નામ ઉજાગર કર્યું છે. લુન્સી કુંઈ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ અનોખા આયોજન દ્વારા નવસારી મહાનગરપાલિકાએ Guinness World Records માં પોતાનું નામ નોંધાવી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.

કમિશનર દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ ફ્લાવર શોમાં 8 બાય 40 ફૂટની વિશાળ દિવાલ તૈયાર કરવામાં આવી હતી, જેમાં કુલ 95,280 તાજા ફૂલોનો ઉપયોગ કરીને “નવસારી” નામને આકાર આપવામાં આવ્યો હતો. આ અનોખી કલાત્મક રચનાએ Guinness World Records ના અધિકૃત માપદંડોને પૂર્ણ કરી રેકોર્ડ પ્રાપ્ત કર્યો છે.
આ સિદ્ધિ માત્ર એક રેકોર્ડ પૂરતી સીમિત નથી, પરંતુ નવસારી શહેરની આયોજન ક્ષમતા, સૌંદર્યબોધ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ સ્થાપિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ ફ્લાવર શો દ્વારા નવસારી મહાનગરપાલિકાએ શહેરને નવી ઓળખ આપી છે અને આવનારા સમયમાં આવા વૈશ્વિક સ્તરના આયોજન માટે મજબૂત પાયો રચ્યો છે.