નવસારી: નવરાત્રીના પાવન તહેવારનો પ્રારંભ થતાં જ નવસારીના આશાપુરી મંદિરે પ્રથમ નોરતે માઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. ગણેશજી અને માર્કંડ ઋષિ સાથે માં આશાપુરી બિરાજમાન હોય તેવું અનોખું મંદિર સમગ્ર ગુજરાતમાં માત્ર નવસારીમાં જ આવેલું છે. આ મંદિર ગાયકવાડી રાજનું પ્રતિક માનવામાં આવે છે. આજે પવિત્ર આસો નોરતે મોટી સંખ્યામાં ભક્તો મંદિરે પહોંચી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
385 વર્ષ જૂનું મંદિર ભક્તિભાવનું કેન્દ્ર
ગાયકવાડી શાસન દરમ્યાન નિર્માણ પામેલું આશરે 385 વર્ષ જૂનું આશાપુરી મંદિર, દક્ષિણ ગુજરાતમાં આસ્થાનું પ્રતિક છે. નવરાત્રીના પ્રથમ દિવસે વહેલી સવારથી જ મંદિર પ્રાંગણમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આ મંદિર અનેક વર્ષોથી માઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરતું સ્થાન છે. મંદિરનું વિશિષ્ટત્વ એ છે કે અહીં માર્કંડેય ઋષિ, ગણેશજી અને માં આશાપુરીની મૂર્તિઓ એકસાથે બિરાજમાન છે.
નવરાત્રી દરમ્યાન ઘેરૈયા નૃત્યનું આયોજન
આસો નવરાત્રી દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં ખાસ ઘેરૈયા નૃત્ય યોજાય છે. જેમાં પુરુષો ઘેર બાંધીને સ્ત્રી સ્વરૂપ ધારણ કરે છે અને માતાજીના ગરબા ગાય છે. તેમની અનોખી ઢબમાં ગરબે રમતા ભક્તોને નિહાળવું પણ ભક્તો માટે વિશેષ લ્હાવો છે.