નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના આંબાપાણી ગામમાં એક ખેડૂત શાકભાજીની આડમાં ગાંજાની ખેતી કરતો હોવાનો ભાંડો ફૂટ્યો છે. નવસારી SOG ને મળેલી બાતમીના આધારે પોલીસે ડ્રોન સર્વેલન્સનો ઉપયોગ કરીને આ કેસનો ભેદ ઉકેલ્યો છે.
46 વર્ષીય કાંતિલાલ પ્રતાપ પાડવી નામનો ખેડૂત પોતાના ખેતરમાં જુવાર, મગફળી, ટામેટા અને વેંગણની સાથે છેલ્લા બે-ત્રણ મહિનાથી ગાંજાનું વાવેતર કરી રહ્યો હતો. પોલીસે ડ્રોન દ્વારા સર્વેલન્સ કરીને ગાંજાના છોડની સ્થિતિ જાણી લીધી હતી અને ત્યારબાદ રેડ કરી હતી.
પોલીસે આ કાર્યવાહીમાં 1,30,200 રૂપિયાની કિંમતના 149 ગાંજાના છોડ જપ્ત કર્યા છે. આ ગાંજાની જાત જાણવા માટે સેમ્પલ FSL માં મોકલવામાં આવ્યા છે. જો આ કેસનો ભેદ બે-ત્રણ મહિના મોડો ઉકેલાયો હોત તો ગાંજાના જથ્થાની કિંમત દસ લાખ સુધી પહોંચી શકી હોત.
નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલના જણાવ્યા મુજબ, આરોપી કાંતિલાલ પાડવી સામે વાંસદા પોલીસ મથકમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી ગાંજાનું વેચાણ કોને કરતો હતો, છોડ ક્યાંથી લાવ્યો હતો અને વાવેતરમાં કોણે મદદ કરી હતી તે અંગેની તપાસ રિમાન્ડ દરમિયાન કરવામાં આવશે.