મહારાષ્ટ્ર રાજ્યના મકોકા જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને જામીન પર છૂટેલા આરોપીઓએ ગુજરાતમાં ગુનાઓને અંજામ આપવાની શરૂઆત કરી હતી. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વેસ્મા ગામ નજીકથી મહિલાની ચેન સ્નેચિંગ કરી ભાગેલા આરોપીઓને નવસારી પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા.
નવસારી જિલ્લાના નેશનલ હાઇવે નંબર 48 પર આવેલી પેટ્રોલ પંપ પાસે મહિલાનું મંગળસૂત્ર છીનવીને ભાગેલા આરોપીઓ મુંબઈના બાંદ્રા વેસ્ટ વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. બંને આરોપીઓએ મહારાષ્ટ્રમાં 50થી વધુ ગુનાઓને અંજામ આપ્યો હતો.
ફિલ્મી ઢબે પકડાયા આરોપીઓ
સીસીટીવીના આધારે પોલીસે લોકેશન ચેક કરી આરોપીઓ મુંબઈ તરફ ભાગતા હોવાનું ધ્યાન આવ્યું. સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરીને સવારે 10 વાગ્યે ગણદેવી તાલુકાના ખારેલ ગામે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને બંનેને ઝડપી પાડ્યા.
આરોપીઓ પાસેથી સોનાનું મંગળસૂત્ર, નંબર વગરની Pulsar બાઈક, મોબાઈલ અને રોકડા મળી કુલ રૂ. 1.40 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.
પકડાયેલા આરોપીઓના નામ
-
અતિક ઉર્ફે મેન્ટલ મુબીન અન્સારી
-
રહેવાસી: મલવાની મલાડ, મુંબઈ (મહારાષ્ટ્ર)
-
સામે નોંધાયેલા ગુનાઓ: 46
-
-
સાજીદ ઉર્ફે બડા સાજીદ અબ્દુલ અઝીઝ શેખ
-
રહેવાસી: મૌલાના લાઈન, બાંદ્રા વેસ્ટ, મુંબઈ (મહારાષ્ટ્ર)
-
સામે નોંધાયેલા ગુનાઓ: 24
-
ગુજરાતમાં કરેલ ગુનાઓની કબૂલાત
આરોપીઓએ ચોરી, લૂંટ, ખંડણી અને હત્યા જેવા ગુનાઓ મહારાષ્ટ્રમાં કર્યા હતા અને મકોકા કાયદા હેઠળ જેલ ભોગવી ચૂક્યા હતા. એક મહિના પહેલા જ જામીન પર છૂટીને તેઓએ ગુજરાતમાં ગુનાઓને ટાર્ગેટ બનાવવાનું શરૂ કર્યું હતું.
નવસારી ઉપરાંત વલસાડ અને પારડીમાં પણ ચેન સ્નેચિંગને અંજામ આપ્યાની કબૂલાત મળી છે. હાલ બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
