નવસારી જિલ્લા પોલીસે સક્રિયતા દર્શાવી મેડિકલ સ્ટોરોમાં rules મુજબ દવાઓ વેચાય છે કે નહીં, તેની સઘન ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે. પોલીસને મળેલી જાણકારી અને ગુપ્ત માહિતીના આધારે વિવિધ તાલુકાઓમાં સ્થાનિક પોલીસ સ્ટેશન અને એસઓજી ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
જિલ્લાના છ તાલુકાઓમાં આવેલી કુલ 184 મેડિકલ સ્ટોરોમાં તપાસ હાથ ધરવામાં આવી. ચેકિંગ દરમિયાન ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક H1 કેટેગરીની દવાઓ તથા સીરપનું વેચાણ કરનાર મેડિકલ સ્ટોરો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી.
- નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1,
- બીલીમોરા વિસ્તારમાં 2,
- વાંસદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1
- નવસારી ટાઉન પોલીસ વિસ્તારમાં 1 મેડિકલ સ્ટોરમાં પ્રિસ્ક્રિપ્શન વગર H1 દવાની વેચાણ કરવામાં આવી રહી હતી.
આ ઉપરાંત એસઓજી (SOG) દ્વારા પણ 2 મેડિકલ સ્ટોરમાં તપાસ કરવામાં આવી હતી, જ્યાં દવાનો ગેરકાયદેસર વેપાર થતો હોવાનો ખ્યાલ મળતાં કાર્યવાહી હાથ ધરાઈ.
સાથે સાથે, જિલ્લામાં આવેલી 34 મેડિકલ દુકાનોમાં CCTV કેમેરા ન લગાવવાના કારણે દુકાનદારો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે.
નવસારી પોલીસે જાહેર જનતાની સલામતી અને નશાકારક દવાઓના દુરુપયોગને અટકાવવા માટે આ પ્રકારના ચેકિંગ અભિયાન આગામી દિવસોમાં પણ ચાલુ રાખવાની સ્પષ્ટતા કરી છે.