નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા વિરામ બાદ નવસારી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન (NDCA)ની સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી મીટિંગમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધારાસભ્ય આર.સી. પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં એસોસિયેશનના 40 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, આગામી માર્ચ-એપ્રિલ મહિનામાં નવસારીના લુન્સીકુઈ મેદાન ખાતે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લેશે. નવસારી પ્રીમિયર લીગના નવા પ્રમુખ તરીકે રાજેશ હિરાણીની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે અશોકભાઈ ગજેરાને ખજાનચી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે નવસારી પ્રીમિયર લીગની છેલ્લી ટુર્નામેન્ટ 2013 અને 2015માં યોજાઈ હતી. આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ આ ટુર્નામેન્ટના પુનરાગમનથી સ્થાનિક ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે.