ગુજરાત સરકારના મહેસુલી સુધારાઓ વિકાસની દિશા અને દશા બંને માટે મહત્વના બને છે. તાજેતરમાં રાજ્ય સરકારે નવસારી સહિત નવી બનેલી નવ મહાનગરપાલિકાઓને D2 કેટેગરીમાં મૂકવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવા G.D.C.R. નિયમ મુજબ, D2 કેટેગરી હેઠળ વિકસિત ન હોતી જમીનોમાંથી 40% જમીન કપાતનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.
આ નિર્ણયને પગલે નવસારી શહેરમાંથી તીવ્ર વિરોધ શરૂ થયો છે. શહેરના બિલ્ડરો, ડેવલોપરો અને ખેડૂતોને આશંકા છે કે, આ નિયમના અમલથી નક્કી થયેલા શહેરી વિકાસમાં મોટું નુકસાન થશે અને જમીન ધારકોને અન્યાય થશે.
નવસારી બિલ્ડર એસોસિએશન, ક્રેડાઈ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ખેડૂતો સાથે મળીને જિલ્લા કલેકટર અને મહાનગરપાલિકા કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. તેઓએ માગ કરી છે કે નવ નિર્મિત મહાનગરપાલિકાઓને D2 કેટેગરીમાંથી મુક્ત રાખવામાં આવે.
રાજ્ય સરકારના દાવા મુજબ, D2 કેટેગરીના અમલથી વિતરણ અને વ્યવસ્થાપન વધુ સુનિયોજિત બની રહેશે અને મહાનગરપાલિકાઓમાં યોગ્ય શહેરી ઢાંચો ઊભો થઈ શકશે. પરંતુ સ્થાનિક વિકાસકર્તાઓનો આક્ષેપ છે કે, આ નિર્ણય આગામી રોકાણ અને વિકાસ પ્રવૃત્તિઓ માટે અવરોધરૂપ સાબિત થશે.
હવે જોવાનું એ રહ્યું કે, સરકાર આ વિરોધોને કેટલુ ગંભીરતાપૂર્વક લે છે અને આગામી સમયમાં શા પ્રકારના ફેરફાર થશે.