નવસારી જિલ્લામાં તાજેતરના ભારે વરસાદને પગલે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. આથી નીચાણવાળા અને નદીકાંઠાના વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને ધ્યાને લઈ વહીવટતંત્ર સતત સજાગ રહેતાં જરૂરી પગલાં લઈ રહ્યું છે.
જિલ્લા વહીવટતંત્ર દ્વારા જનજાગૃતિ, રાહત અને રેસ્ક્યૂ કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા લોકોની સલામતીને પ્રાથમિકતા આપતાં તેમને સમયસર આશ્રયસ્થાનોમાં સ્થાનાંતરિત કરવામાં આવી રહ્યા છે.
આ સંદર્ભે, આજે જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે દ્વારા વિવિધ આશ્રયસ્થાનોની મુલાકાત લેવામાં આવી હતી. તેમણે સ્થળાંતરિત થયેલા નાગરિકો સાથે વ્યક્તિગત વાતચીત કરી અને રહેઠાણ, ભોજન, દવા, શૌચાલય અને સુરક્ષા જેવી મૂળભૂત સુવિધાઓની ઉપલબ્ધતા અંગે વિસ્તૃત માહિતી મેળવી. કલેકટરશ્રીએ અધિકારીઓને નિર્દેશ આપ્યો કે રાતના રહેવા દરમિયાન કોઈ અગવડતા ન સર્જાય એ માટે તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવે.
હાલમાં ડી.ડી. ગર્લ્સ હાઈસ્કૂલ, ક્ષત્રિય મોચી જ્ઞાતિ પંચ – સ્વપ્નલોક સોસાયટી સહિત આઠ સ્થળોએ કુલ 550 થી વધુ લોકોનું સલામત સ્થાનાંતર કર્યું છે.
જિલ્લા વહીવટ તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂર પડે ત્યાં તાત્કાલિક મદદ માટે પૂરતી તૈયારી સાથે કાર્યરત છે.