નવસારીમાં વિદેશ મોકલાવાની લાલચ આપી કરવામાં આવેલી મોટી વિઝા ઠગાઈનો મામલો સામે આવ્યો છે. વિઝા મેળવવા ખોટા લેટર આપનારા પટેલ દંપત્તિમાંથી પત્ની નાવિકા વિવેક પટેલને મુંબઈ એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી છે. દંપત્તિએ લંડન જવા ઇચ્છુક 9 જેટલા લોકોને ખોટા વિઝા આપીને લાખોની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ નવનીત પટેલ અને નાવિકા વિવેક પટેલે વિદેશ મોકલી આપવાની ખાતરી આપતા 9 લોકો પાસેથી 22 લાખ રૂપિયાથી વધુની રકમ લીધી હતી. પરંતુ તેમને ખોટા વિઝા આપ્યા બાદ દંપત્તિ દેશમાંથી ફરાર થઈ ગયું હતું. આ અંગે નવસારીના એક ભોગ બનનાર વ્યક્તિએ ટાઉન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ બાદ પોલીસે બંને સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. ત્યારબાદ નાવિકા પટેલ મુંબઈ એરપોર્ટ પર ઉતરતા જ ઇમિગ્રેશન દ્વારા અટકાવવામાં આવી અને નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી. જ્યારે આ સમગ્ર છેતરપિંડીનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવતો વ્યક્તિ હજુ સુધી પોલીસ પકડથી દૂર છે.
નવસારી ટાઉન પોલીસ દ્વારા આરોપીને ઝડપી વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ હવે દંપત્તિના અન્ય સંડોવાયેલા નેટવર્કની પણ તપાસ કરી રહી છે.
