નવસારી શહેરના મોટા બજાર વિસ્તારમાં આવેલ જુના પોલીસ સ્ટેશન પાસે પાણીની જૂની ટાંકી ઉતારવાની કામગીરી દરમિયાન મોટો બનાવ સર્જાયો હતો. મહાનગરપાલિકાએ આ ટાંકી ઉતારવા માટે પ્રાઈવેટ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આજે કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક જર્જરીત હાલતમાં આવેલી દિવાલનો ભાગ ઘસી પડ્યો.
આ બનાવ દરમિયાન નીચે પાર્ક કરેલી બાઈક, કાર તેમજ ફાયર વિભાગની ગાડીને નુકસાન થયું હતું. સદ્નસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ ઘટનાના દ્રશ્યો લાઈવ વીડિયોમાં કેદ થતાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
મુખ્ય લાઈનમાં ભંગાણ થતાં મોટા બજાર વિસ્તારના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા. રસ્તા પર એટલું પાણી ફેલાયું કે જાણે નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા.
સ્થાનિક દુકાનદારો અને રહીશો માટે મુશ્કેલી ઉભી થઈ હતી, તેમજ ટ્રાફિક પર પણ તેની અસર જોવા મળી હતી.