શહેર અને તેના ગલીઓમાંથી શરુ થતાં ગુનાખોરીના ભયાનક પ્રવાહો દેશવિરોધી અને આતંકી પ્રવૃત્તિઓ સુધી પહોંચી શકે છે — અને આવી જ એક ગુનાખોર ગેંગ સામે નવસારી પોલીસે ઉગ્ર કાર્યવાહી હાથ ધરી છે. નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં ઓળખાતી “તીસરી ગલી ગેંગ”ના 6 આરોપીઓને પકડીને શહેરમાં રીકન્સ્ટ્રક્શન કરાયું હતું, જેમાં તેઓએ ગુનાઓ અંજામ આપેલા સ્થળોએ લઈ જઈને પોલીસ કાર્યવાહી કરી.
તીસરી ગલી: ગુનાખોરીનો અડ્ડો!
બીલીમોરાની તીસરી ગલી લાંબા સમયથી એક ગુનાખોરીના હબ તરીકે ઓળખાતી હતી. આ ગેંગના મુખ્ય સૂત્રધાર આમિન શેખ અને તેના સાગરિતોએ આપહરણ, હત્યા, ખંડણી, દારૂની હેરાફેરી, મારામારી સહિત કુલ 42 ગુનાઓ કરી નાખ્યા છે.
આરોપીઓ અને તેમના ગુનાઓની વિગત:
- આમિન અનવર શેખ – તીસરી ગલી, બીલીમોરા – (13 ગુનાઓ), મુખ્ય આરોપી
- રોનક ઉર્ફે બોબડો – કાકરાખાડી, બીલીમોરા – (8 ગુનાઓ)
- કેવિન પટેલ – ઊંડાચ વાણીયા ફળિયા, ગણદેવી – (10 ગુનાઓ)
- મનોજ ઉર્ફે શિવાજી પાટીલ – કાકરાખાડી, બીલીમોરા – (10 ગુનાઓ)
- ગૌરવ રાજેશ ચોટલીયા – સોમનાથ મંદિર પાછળ, બીલીમોરા – (15 ગુનાઓ)
- માઝ ફકરુદ્દીન શેખ – ગોહરબાગ, બીલીમોરા – (7 ગુનાઓ)
- મોહમ્મદ સાબીર અન્સારી – બાગ્યા ફળિયા, બીલીમોરા – (17 ગુનાઓ)
શહેરમાં ધાક જમાવવા પ્રયાસ: પોલીસની રીતગત કાર્યવાહી
આરોપીઓએ બીલીમોરાને પોતાની ગુનાખોરીની કર્મભૂમિ બનાવી હતી. “તીસરી ગલી” નામે ધાક જમાવી, લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરતા હતા. આ ઘટના પછી પોલીસ દ્વારા આ તમામ સામે GUJCTOC (ગુજસીટોક) અંતર્ગત કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આમીન શેખને જ્યારે પોતાના જ મોહલ્લામાં લઈ જવાયો ત્યારે તેનો ભય છતો થયો હતો — લોકોની ભીડ પણ આ રીકન્સ્ટ્રક્શન જોવા માટે ઉમટી પડી હતી.