ભાજપ નેતા તર્વિન્દર સિંહ મરવાહે એક જાહેર કાર્યક્રમમાં રાહુલ ગાંધીને ધમકી આપી હતી કે જો તેઓ ‘સાવધાન નહીં રહે’, તો તેમની દાદી (ઈન્દિરા ગાંધી) જેવી જ હાલત થશે. ઉપરાંત, શિવસેના MLA સંજય ગાઈકવાડે રાહુલની જીભ કાપનારને 11 લાખ રૂપિયા આપવાની ઘોષણા કરી હતી.
આ ઉપરાંત, મંત્રી રવિનિત સિંહ બિટ્ટુએ રાહુલને દેશના “નંબર 1 આતંકવાદી” તરીકે ગણાવ્યા, અને યુપીના મંત્રી રઘુરાજ સિંહે પણ આ પ્રકારના નિવેદનો કર્યા. આ તમામ નિવેદનોની સામે કોંગ્રેસે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને આ નેતાઓ વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરી છે.
કોંગ્રેસના નેતાઓનું કહેવુ છે કે આ પ્રકારની ટિપ્પણીઓ જનતામાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરે છે અને એ ચૂંટણી દરમિયાન શાંતિભંગ કરવા માટે કરવામાં આવી રહી છે. આ સમગ્ર બાબતે નવસારીમાં પણ કોંગ્રેસમાં રોષ જોવા મળી રહ્યો છે. મહિલા કોંગ્રેસ સમિતિએ કલેકટરને આવેદન આપી આ અંગે કાર્યવાહી કરવા માગ કરી છે.