નવસારી શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ સતત વધી રહ્યો છે, જેનાથી નાગરિકોના જીવનમાં અસહજતા સર્જાઈ છે. શિયાળાની ઋતુમાં મચ્છરોનો ત્રાસ સામાન્ય રીતે વધતો હોય છે, પરંતુ ઉનાળો શરૂ થયા પછી પણ આ સમસ્યા યથાવત છે.
શહેરમાં ખુલ્લી ખાડીઓ, નદી-નાળા અને બંદર રોડ પરની ડમ્પિંગ સાઇટ મચ્છરોના ઉપદ્રવના મુખ્ય કારણો તરીકે ઓળખવામાં આવે છે. નગરપાલિકાથી મહાનગરપાલિકા બન્યા પછી, શહેરનું વિસ્તરણ થવાના કારણે સ્વચ્છતાનું મહત્ત્વ વધુ થઈ ગયું છે. જો કે પાલિકા દ્વારા સમયાંતરે ફોગિંગ અને દવાનો છંટકાવ કરવામાં આવે છે, તેની અસર ઓછી જોવા મળે છે.મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી અલ્પેશ પટેલે જણાવ્યું કે રોગચાળાના નિયંત્રણ માટે કાર્યવાહી ચાલુ છે. ઉપરાંત, હવે આ કામગીરી માટે એક અધિકારીની નિમણૂક પણ કરવામાં આવી છે. જો કે, સ્થાનિક નાગરિક પિયુષ ઢીમરે જણાવ્યા મુજબ ખુલ્લી ગટર અને વરસાદી ગટરમાં ડ્રેનેજના સીધા જોડાણને કારણે સમસ્યા વધુ ગંભીર બની છે.મલેરિયા જેવા ગંભીર રોગચાળો ફેલાવવાનો ભય નાગરિકોમાં છે. લોકો અપેક્ષા રાખે છે કે નવસારી મહાનગરપાલિકા સુરતની જેમ સ્વચ્છતામાં સુધારો કરે અને અસરકારક પગલાં ભરે.