કેન્દ્રીય જળ શક્તિ મંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ નવસારી જિલ્લાના પ્રવાસે પધાર્યા હતા. તેમની ઉપસ્થિતિમાં જિલ્લામાં નવા ચૂંટાયેલા સરપંચોને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. સરપંચોને સંબોધન કરતાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે જે ભંડોળ ગ્રામ વિકાસ માટે આવે છે તેનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ.
સી.આર. પાટીલએ જણાવ્યું કે “જેમના કામ માટે ભંડોળ મળ્યું છે એ કામ માટે જ તેનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને સ્વચ્છતા માટે મળેલા ભંડોળનો ઉપયોગ માત્ર ગામના સ્વચ્છતા કામમાં જ થવો જોઈએ.”
તેમણે વધુમાં જણાવ્યું કે હવે મનરેગા હેઠળ પણ વોટર હાર્વેસ્ટિંગ માટે ભંડોળ મળશે. ગુજરાતના 33 જિલ્લાઓ અને દેશના અનેક રાજ્યોમાં વોટર હાર્વેસ્ટિંગની કામગીરી શરૂ થઈ છે અને ગુજરાતમાં અત્યાર સુધીમાં 32 લાખ સ્ટ્રક્ચર બનાવીવામાં સફળતા મળી છે.
નવસારી જિલ્લામાં 360 ગામોમાં વર્ષોથી પડેલો કચરો સાફ કરવામાં આવ્યો છે અને જિલ્લો ગુજરાતમાં સ્વચ્છતાના મોડેલ તરીકે આગળ વધી રહ્યો છે. 200 ગામોને કચરો ઉપાડવા માટે ટ્રેક્ટર આપવામાં આવ્યા છે, જેથી રોગચાળો ન ફેલાય.
તેમણે ઉમેર્યું કે આજનો ભારત એવો નથી જેની છબી વિદેશોમાં પહેલા હતી. હવે ભારત પ્રગતિના માર્ગે આગળ છે. મોદીના નેતૃત્વમાં દેશમાં 12 કરોડ શૌચાલય નિર્માણ થયા છે જેને કારણે વિશ્વભરમાં ભારતની સ્વચ્છતાની છબી બદલાઈ છે.
સી.આર. પાટીલએ ખાસ ઉલ્લેખ કર્યો કે, ગામમાં સરપંચની ચૂંટણી વખતે સમૂહોમાં ફૂટ પડે છે, ઝઘડા થાય છે અને પરિવારો તૂટે છે, પણ આવી ભાગલાવારી ગ્રામ વિકાસ માટે અવરોધરૂપ બની શકે છે.
તેમણે સરપંચોને અપીલ કરી કે ગામના વિકાસ માટે સૌ એક થઈ કાર્ય કરે અને નવસારી જિલ્લો સ્વચ્છતામાં ગુજરાત માટે મોડેલ બની રહે એ માટે પ્રયાસ ચાલુ રહેશે.