નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સુલતાનપુર ગામના સરપંચશ્રી શશિકાંતભાઈ બી. પટેલને આ વર્ષે નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતે યોજાનાર સ્વતંત્રતા દિવસના સમારોહમાં ખાસ મહેમાન તરીકે આમંત્રણ મળ્યું છે. દેશભરના કુલ 210 પંચાયત પ્રતિનિધિઓમાં તેમની પસંદગી કરવામાં આવી છે.
પંચાયતી રાજ મંત્રાલય (MoPR) દ્વારા 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રેષ્ઠ કાર્ય કરનાર સરપંચોને આ માન આપવામાં આવે છે. ગુજરાતમાંથી પસંદ થયેલા 3 સરપંચોમાં શશિકાંતભાઈ પટેલનો પણ સમાવેશ છે.
સુલતાનપુર ગામે “મોડેલ વિલેજ ઓફ રૂરલ ડેવલપમેન્ટ”નો ખિતાબ મેળવ્યો છે. ગામને ODF પ્લસ મોડેલ ગામ તરીકે ઓળખ અપાવવામાં આવી છે અને “હર ઘર, નળ સે જલ” યોજના સફળતાપૂર્વક અમલમાં મૂકાઈ છે. દિવ્યાંગજનોને સુવિધા મળે તે માટે શૌચાલય પર ખાસ સાઇનબોર્ડ લગાવવામાં આવ્યા છે, જે ગુજરાતમાં પહેલું છે.
સરપંચશ્રી શશિકાંતભાઈ પટેલ દ્વારા જન્મેલી બાળકીની માતાને ₹5000નું ઇનામ અને શ્રેષ્ઠ રસોડાના બગીચા ધરાવતાં પરિવારોને પ્રોત્સાહન રકમ આપી સન્માનિત કરવામાં આવે છે. તેમની કામગીરી સમગ્ર રાજ્યના ગ્રામ્ય વિસ્તારો માટે પ્રેરણાસ્ત્રોત બની છે.