નવસારી શહેરમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. ગઈકાલે નવસારીમાં બે નાનકડી બાળકી પૈકી એકનો મૃતદેહ વિરાવળથી અને બીજીનો જલાલપુરમાં મળી આવ્યો હતો. આ બનાવને પગલે શહેરમાં ચકચાર મચી હતી.
આજે ફરી એક હચમચાવી મુકનારી ઘટના સામે આવી. બંને બાળકીની માતાનો મૃતદેહ કરાડી ગામ પાસેથી પસાર થતી પૂર્ણા નદીમાંથી મળી આવ્યો હતો. મૃતક મહિલાની ઓળખ 28 વર્ષીય પરણીતા ખેવના હાર્દિક નાયક તરીકે થઈ છે.
પરણીતા ખેવના નાયક પોતાની બે દીકરીઓ સાથે 31મી ઓગસ્ટથી ઘરેથી ગુમ થઈ હતી. અગમ્ય કારણસર તેણે બંને દીકરીઓ સાથે પૂર્ણા નદીમાં ઝંપલાવ્યું હોવાનું સામે આવ્યું છે. આ સામૂહિક આપઘાતથી સમગ્ર જિલ્લામાં શોક છવાઈ ગયો છે.
મૃત બાળકીઓની ઓળખ 4 વર્ષીય ધીઆ નાયક અને અઢી વર્ષીય દ્વિજા નાયક તરીકે થઈ છે. બંને નાનકડા જીવન એકસાથે માતા સાથે અંતિમ સફરે નીકળી ગયા. આ હદયવિદારક ઘટનાથી સ્થાનિકોમાં ભારે દુઃખ અને ચકચાર ફેલાઈ છે.
પોલીસ તંત્ર ઘટના અંગે ગંભીર તપાસ શરૂ કરી છે. ગ્રામ્ય અને જલાલપોર પોલીસ બંને બાળકીઓના મૃતદેહ સંબંધિત તપાસમાં લાગી છે, જ્યારે પરણીતાના મોત અંગે પણ વધુ વિગત બહાર લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.