રિન્યુએબલ એનર્જીના સદુપયોગ સાથે પર્યાવરણનું જતન એટલે સોલાર રૂફ ટોપ યોજના. સરકાર દ્વારા સોલાર પેનલ માટે લાભાર્થીઓને ન માત્ર સબસિડી મળે છે પણ લાભાર્થીઓના વીજબિલમાં પણ ખૂબ મોટી રાહત મળી રહી છે.
ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહેલું આપણું વિશ્વ તીવ્ર ઊર્જા અછત અનુભવી રહ્યું છે. ઉપરાંત પ્રદુષણની વૈશ્વિક સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. વિશ્વના દેશો પુન:પ્રાપ્ય ઊર્જાના ઉપયોગ પર ગંભીર બન્યા છે. આ સમસ્યાને પહોંચી વળવા વીજ ઉત્પાદન, વીજ પ્રવહન અને વીજ વિતરણ વ્યવસ્થાને સુદ્રઢ કરવાના ગુજરાત સરકારના મક્કમ નિર્ધાર સાથે નક્કર રોડમેપ દ્વારા ‘ગ્રીન ગુજરાત’ના પર્યાવરણલક્ષી લક્ષ્યાંકને વાસ્તવિકતા બનાવવા તરફ ગુજરાત સરકાર આગળ વધી રહ્યું છે.
રાજ્યના રહેણાંક હેતુના વીજ ગ્રાહકોમાં સોલાર એનર્જીના વપરાશને વધારવાના હેતુથી સોલાર રૂફ ટોપનો વ્યાપ વધારવા રાજ્ય સરકાર દ્વારા સૂર્ય ઊર્જા સોલર રૂફ ટોપ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ નવસારીના લેક વ્યુ સોસાયટીના રહેવાસી ઈશ્વરભાઈ ટંડેલ તથા કાંતિલાલ ટંડેલ ભાઈઓએ સોલર રૂફ ટોપ યોજના અંતર્ગત સૌર ઉર્જાના ઉપયોગની અનોખી પહેલ કરી પોતના ઘરનું વીજળી બીલ ઝીરો કર્યું છે .
નવસારી નગરપાલિકા વિસ્તારમાં આવેલા લેક વ્યુ સોસાયટીના બંગલાની અગાસી પર પર્યાવરણ પ્રત્યે જાગૃત્ત ટંડેલ ભાઈઓએ ૦૩ કિલોવોટની ક્ષમતા ધરાવતી સોલાર રૂફ ટોપ પેનલ લગાવી કુદરતી સૌર ઉર્જાનો યથાર્થ ઉપયોગ કર્યો છે.
સોલાર રૂફટોપ વિષે ઈશ્વરભાઈ ટંડેલ જણાવે છે કે, “સોલાર રૂફટોપ લગાવવામાં ફાયદો જ ફાયદો છે. વનટાઈમ ઈન્સ્ટોલમેન્ટમાં લાઈફ ટાઈમ વીજળી મળી રહી છે. અમારા બન્ને ભાઈઓના ઘરે ૩ કિલો વોટની સોલાર પેનલ લગાવી છે. આજે અમારા ઘરના રૂમ, ટીવી, ફ્રીજ, એ.સી.ના તથા અન્ય જરૂરીયાત વપરાશનું વીજબીલ શૂન્ય છે. અમારા ઘરના વાર્ષિક ૨૫૦૦ યુનિટના વપરાશ સામે બિનપરંપરાગત સૌર ઉર્જાના માધ્યમ થકી અમે અંદાજીત ૩૫૦૦ યુનિટ વીજળી પ્રાપ્ત કરી રહ્યા છીએ. અને હવે અમારે વીજળીના બીલને લઈને ચિંતા કરવી પડતી નથી.
નવસારીના ટંડેલ ભાઈઓ જેવા ગુજરાતના હજારો નાગરિકોએ સોલાર રૂફટોપના લાભથી પ્રેરિત થઈ પોતાના ઘરની છત પર સોલાર પેનલ લગાવડાવી છે. વીજળીની બચત અને વીજળીના અનેકવિધ ફાયદાઓ સમજી ગયેલા ગુજરાતના નાગરિકોએ સોલાર રૂફટોપ યોજનાને ખૂબ લોકપ્રિય બનાવી છે. રાજ્ય સરકારના વિઝન અને નાગરિકોના સહકારથી આજે યોજના સફળ બની છે, અને ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીમાં રેસીડેન્સિયલ સોલાર પેનલ ઈન્સ્ટોલમેન્ટમાં અગ્રેસર રહ્યું છે.
આમ, રિન્યુએબલ એનર્જીના સદુપયોગ સાથે પર્યાવરણનું જતન એટલે સોલાર રૂફ ટોપ યોજના એમ કહેવું જરાય અતિશયોક્તિપૂર્ણ નથી.