ગંભીરા બ્રિજ ગોઝારી ઘટનાને લઈને નવસારી પ્રશાસન એક્શન મોડ માં આવ્યું ત્યારે પૂર્ણા નદીના પુલનું સ્ટ્રક્ચર ટેસ્ટિંગની કામગીરી શરૂઆત કરવામાં આવી સાથે જ માર્ગ મકાન દ્વારા ટાટા સ્કૂલ જુના બસ ડેપો પાસે ડાયવર્જન લગાવાયું છે.
વડોદરા જિલ્લાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાને ધ્યાનમાં રાખી હવે નવસારી જિલ્લો પણ સાવચેતીના ભાગરૂપે પગલા લઈ રહ્યો છે. નવસારી શહેર નજીક આવેલ પૂર્ણા નદી બ્રિજ, જે વિરાવળ-નવસારી રોડ પર આવેલ છે અને વર્ષ ૧૯૭૮માં બનાવાયો હતો, હવે તેની હાલત ખુબ જ જુની અને નબળી હોવાથી જિલ્લા પ્રશાસન દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
માર્ગ મકાન વિભાગ દ્વારા આ પુલનું સ્ટ્રક્ચર ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે અને સાવચેતીના ભાગરૂપે ટાટા સ્કૂલ નજીક ટ્રાફિક માટે ડાયવર્ઝન ગોઠવવામાં આવ્યું છે.
તંત્ર દ્વારા પુલનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું. સલામતીના હિતમાં ભારે વાહનો, એસ.ટી બસ તથા અન્ય હેવી મોટર વાહનો માટે આ પુલ બંધ રાખવો જરૂરી છે. તેથી હવે તાત્કાલિક અસરથી આ પુલ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. લાઈટ વાહનો તથા ઈમરજન્સી વાહનો માટે પુલ યથાવત ખુલ્લો રહેશે.
ટ્રાફિકના વિઘ્ન વગર વ્યવસ્થિત પ્રવાહ માટે જિલ્લા પ્રશાસન અને માર્ગ મકાન વિભાગ દ્વારા ખાસ ડાયવર્ઝન રૂટ જાહેર કરાયા છે. સુરત તથા સચિન તરફથી આવતા ભારે વાહનો હવે મરોલી-વેસ્મા રોડ (SH-195) થકી નેશનલ હાઈવે-૪૮ મારફતે નવસારી તરફ જઈ શકશે. તેમજ કરબાપાર-આમરી-ધોળાપીપળા (ODR) રૂટ મારફતે પણ તેમને નવસારી તરફ આવવાનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે. તેવીજ રીતે નવસારીથી સુરત અથવા સચિન તરફ જતા ભારે વાહનો માટે પણ આ બંને રૂટ ફરજિયાત રહેશે.
જિલ્લા પ્રશાસન દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ આ હુકમનું ઉલ્લંઘન કરશે તો તેના સામે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ટ્રાફિક નિયમન અને જનસુરક્ષા માટે પોલીસ તથા માર્ગ મકાન વિભાગ દ્વારા કડક અમલ કરાશે.