સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે વરસાદી ગટરના ખુલ્લા ઢાંકણામાંથી નીચે પડેલા બે વર્ષના એક માસૂમ બાળકે જીવ ગુમાવવો પડયો છે. વરસાદી ગટરમાં પડેલા બાળકનો દોઢ કિલોમીટર દુર પમ્પિંગ સ્ટેશનમાં મૃતદેહ મળ્યો હતો.
મૃતદેહ સ્મીમેરમાં લઈ જવાતા પરિવારે કસુરવાર અધિકારીઓ સામે પગલા ન લેવાય ત્યાં સુધી પોસ્મોર્ટમ કરાવવા અને મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો. ત્યારબાદ અમરોલી પોલીસે દ્વારા પાલિકાના ગટર વિભાગના જવાબદાર અધિકારી કે કર્મચારી વિરુદ્ધ સાપરાજ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે. તપાસમાં જે કસૂરવાર નીકળશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલ બાળકના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ પરિવારને બાળકનો મૃતદેહ સોંપવામાં આવશે.
નવસારીમાં આવી દુર્ઘટનાની જોવાય રહી છે રાહ?
પરંતુ આ વચ્ચે હવે નવસારીને લઇને પણ ચિંતા નો વિષય બન્યો છે. નવસારી શહેરને હાલમાં જ મહાનગરપાલિકાનું બિરુદ મળ્યું છે. માટે વિવિધ માળખા ગોઠવવાની કામગીરી પણ ચાલુ છે. મહત્વની વાત એ છે કે આ ગોઠવણ શહેરના ખૂણા ખૂણાનો રિપોર્ટ કમિશનર કચેરી સુધી પહોંચે છે કે કેમ તે પણ જોવું રહ્યું છે કારણ કે હવે નવસારી શહેરમાં સુરતની ઘટના બાદ એવા દ્રશ્યો સામે આવ્યા છે.
જેમાં ખુલ્લી ગટરોને લઈને લોકો મુશ્કેલીમાં મુકાય તેવી શક્યતા સેવાઈ રહી છે. સુરતમાં બે વર્ષનું બાળક જે ગટરમાં પડી જવાની ઘટના બની હતી તેવી જ સ્થિતિ નવસારીમાં સર્જાય તો નવાઈ નહીં કારણકે ગોલ્ડી સોલાર નજીક ખુલ્લી ગટર બીજી તરફ રાત્રિ દરમિયાન જો અહીંથી કોઈ વાહન ચાલક જાય અથવા તો કોઈ રાહદારી જાય તો તેને અહીં નજર ન પડે તેવી સ્થિતિમાં આ ગટર છે.
સ્થાનિકો દ્વારા આ બાબતે જનતા જનાર્દનને જાણ કરવામાં આવી. કારણકે જનતા જનાર્દન દ્વારા શહેરના વિવિધ પ્રશ્નોને લઈને લોકો ની વાત સત્તાધારી સુધી પહોંચાડવામાં આવી રહી છે. ત્યારે સ્થાનિકો દ્વારા મોકલવામાં આવેલા આ વિડીયો કે જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કઈ રીતે આ ગટરનું ઢાંકણું શહેરીજનોના મોતનું કારણ બની શકે છે. અહીં આ રસ્તા પરથી અનેક લોકો અવરજવર કરે છે.
ફેક્ટરીના રસ્તાની સામે તૂટેલી ગટર
સ્થળ ઉપર રાધેપાર્ક નજીક ગોલ્ડી સોલાર નામની એક ફેક્ટરી પણ આવેલી છે જેને કારણે લોકો અનેક વાર અહીંથી અવરજવર કરતા હોય છે પરંતુ એવું લાગી રહ્યું છે કે મહાનગરપાલિકા સુરત જેવી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે. ત્યારે વહેલી તકે આ અંગે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી લોકોની માંગ છે.