નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ વચ્ચે પોલીસ દ્વારા 10મા અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે સરાહનિય કામગીરી કરવામાં આવી છે. વડાપ્રધાનના રૂટ પર ભારે ટ્રાફિક વચ્ચે વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાનું જવાબદારીભર્યું કાર્ય નવસારી પોલીસે હાથ ધર્યું.
વાંસી ગામે વડાપ્રધાન મોદીની સભા માટે દક્ષિણ ગુજરાતમાંથી આશરે 1.5 લાખ મહિલાઓના ઉમટવાના કારણે ટ્રાફિકની સ્થિતિ ગંભીર બની હતી. છતાં, પોલીસ દ્વારા સવારથી જ યોજના બનાવીને વિદ્યાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.
નવસારી એસપીના માર્ગદર્શન હેઠળ શહેર અને આસપાસના વિસ્તારોમાં અગાઉથી જ પિક-અપ પોઈન્ટ્સ નક્કી કરવામાં આવ્યા હતા. પરીક્ષા માટે જતા વિદ્યાર્થીઓને સમયસર અને સુરક્ષિત રીતે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં કોઈ વિક્ષેપ ન થાય તેની ખાતરી પોલીસે કરી.
આ કામગીરીને કારણે, વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોમાં પ્રશંસાની લાગણી જોવા મળી હતી. વડાપ્રધાનના નવસારી પ્રવાસ દરમ્યાન પોલીસની આ જાણે સામાજિક જવાબદારીના ઉદાહરણરૂપ કામગીરી હતી.
આ કઠિન સમય અને ભારે ટ્રાફિક વચ્ચે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે પોલીસનો આ પ્રયાસ નવસારી માટે ખરેખર ગૌરવનો વિષય છે.