નવસારીની બીલીમોરા પાલિકાની ચુંટણી ટૂંક સમયમાં યોજાવાની છે. જેને ધ્યાને રાખી બીલીમોરા શહેરમાં ગુનાખોરીને ડામવા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને રાખીને નવસારી અને બીલીમોરા શહેરમાં વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
નવસારીમાં પોલીસે તીવ્ર તપાસ શરૂ કરી
નવસારી શહેરના દશેરા ટેકરી અને તીઘરા નવી વસાહત વિસ્તારોમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. નવસારી ટાઉન પોલીસ દ્વારા 8 પોલીસ અધિકારી અને 60 પોલીસ જવાનો સાથે સંકલિત તપાસ હાથ ધરવામાં આવી છે.
બીલીમોરામાં પણ પોલીસનું કડક ચેકિંગ
બીલીમોરા શહેરના ઓડ નગર, ઓરિયા મોરિયા, માછીવાડ, ગાયકવાડ મીલ ચાલ, તિસરી ગલી અને ગોહરબાગ વિસ્તારમાં પણ પોલીસે કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું છે. અહીં 4 પોલીસ અધિકારી અને 47 પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.
સુરક્ષા માટે સઘન પગલાં
આ ઓપરેશન અંતર્ગત પોલીસ શકમંદ વ્યક્તિઓ, જુગાર, શરાબ અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી છે. બીલીમોરા પાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ દ્વારા આવા પગલાં લેવામાં આવી રહ્યા છે.