નવસારી: નવસારી મહાનગરપાલિકામાં નવો ધમધમાટ શરૂ થયો છે. મહાનગરપાલિકાના નવા સીમાંકન અંગેનો સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવ્યો છે. નવસારી મહાનગરપાલિકા હવે કુલ 13 વોર્ડમાં વિભાજિત થશે અને કુલ 52 કોર્પોરેટરની બેઠકો રહેશે.
નવી બેઠક વિતરણ મુજબ જુદી જુદી કેટેગરી માટે રિઝર્વેશનની રૂપરેખા પણ ઘોષિત કરવામાં આવી છે:
- શિડ્યુલ કાસ્ટ (SC): કુલ 3 બેઠકો રિઝર્વ, જેમાંથી 1 બેઠક મહિલાઓ માટે અનામત.
- શિડ્યુલ ટ્રાઈબ (ST): કુલ 8 બેઠકો અનામત, જેમાંથી 4 બેઠક મહિલાઓ માટે રિઝર્વ.
- ઓબીસી (OBC): કુલ 14 બેઠકો માટે અનામત, જેમાંથી 7 બેઠક મહિલાઓ માટે રિઝર્વ.
- જનરલ કેટેગરી: 27 બેઠકો, જેમાંથી 14 મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.
મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં દરેક વોર્ડના સીમાંકનની કામગીરી શરૂ કરવામાં આવશે. કમિશનર દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ કાર્ય માટે ટીમ તૈયાર કરવામાં આવી છે. મનપાના સૂત્રો જણાવે છે કે ડિસેમ્બર મહિનાના અંત સુધી તમામ વોર્ડનું સીમાંકન પૂર્ણ કરવામાં આવશે.
નવ નિર્મિત નવ મહાનગર પાલિકાઓના સીમાંકન માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મહિલા સશક્તિકરણ અને 50% મહિલા અનામત ના મુદ્દાને ઉજાગર કરતું જાહેરનામું બહાર પડ્યું છે. મહાનગરપાલિકાઓમાં 50% મહિલા અનામત થી નવું સીમાંકન કરવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થયું છે. એસસી, એસટી અને ઓબીસી તમામ કેટેગરીઓમાં કુલ 50% મહિલા અનામતની રાજ્ય સરકારે મંજૂરી આપી છે. કુલ 52 બેઠકોમાંથી 26 બેઠકો મહિલા અનામત રાખવામાં આવી છે.
આ નવી વ્યવસ્થા નવસારી મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે મહત્વપૂર્ણ મંચ તૈયાર કરશે. ચૂંટણીની તૈયારીને લઈને હવે નગરરાજકારણમાં પણ ધમધમાટ વધી ગયો છે.