ગત રાત્રિએ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વિવિધ વિસ્તારોમાં મીની વાવાઝોડું અને ભારે વરસાદની પરિસ્થિતિ સર્જાઈ હતી. વાવાઝોડાના કારણે અનેક ગામોમાં ઝાડ પડ્યા હતા, ઘરોને નુકસાન થયું, ખેતીને નુકશાન પહોંચ્યું તેમજ પશુઓ પર પણ અસર થઈ હતી. પરિસ્થિતિ બાદ તુરંત જ જિલ્લા તંત્ર દ્વારા સર્વે અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ પરિસ્થિતિનો તાગ મેળવવા નાણા-ઊર્જા મંત્રી તથા નવસારી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ આજે વાંસદાના વિવિધ વિસ્તારોની સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે હાલની સ્થિતિ અંગે તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
મંત્રીશ્રીએ સિણધઈ વિસ્તારમાં અસરગ્રસ્ત પરિવારો સાથે સીધી મુલાકાત કરીને તેમની મુશ્કેલીઓ અંગે માહિતી મેળવી. સાથે જ વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે સમીક્ષા કરીને તંત્રને ઝડપથી જનજીવન પુનઃસ્થાપિત કરવા તથા નુકસાનના ચોક્કસ સર્વે માટે સૂચનો આપ્યા હતા.
વાવાઝોડાના કારણે અનેક ગામોમાં ઝાડ પડ્યા, ઘરો, ખેતી અને પશુઓને ભારે નુકસાન થયું હતું. વાવાઝોડા પછી તંત્ર દ્વારા તાત્કાલિક સર્વે અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ પરિસ્થિતિને ધ્યાને રાખીને નાણા-ઉર્જા મંત્રી તથા નવસારી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ આજે ચીખલી તાલુકાના વિવિધ વિસ્તારોની સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે વર્તમાન સ્થિતિ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી તેમજ તલાવચોરા ગામ અને ચીખલીના સરકારી અનાજના ગોડાઉનની પણ મુલાકાત લીધી હતી.
મંત્રીશ્રીએ વિવિધ વિભાગોની કામગીરી વિશે વિગતવાર માહિતી મેળવી હતી અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન ઝડપથી પુનઃસ્થાપિત થાય તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા. સાથે જ, નુકશાનીના ચોક્કસ આંકડા મેળવવા સર્વે પ્રક્રિયા તાત્કાલિક અને પારદર્શક રીતે પૂર્ણ કરવા પણ આદેશ આપ્યો હતો.
